- Advertisement -

ભગવાન મહાવીરના જન્મ પહેલા માતા ત્રિશલાએ જોયેલા સપનાનું રહસ્ય શું હતું? મહાવીર જયંતિ પર ભગવાનના અદ્વિતીય ગુણોનો મહિમા જાણો

- Advertisement -

જે તારણ કરે એ તીર્થ. અને જે તીર્થને પ્રતિષ્ઠા અપાવી તીર્થનો મહિમા વધારે એ જ તીર્થંકર. જૈન ધર્મના આવાં જ ચોવીસમા તીર્થંકર એટલે ભગવાન મહાવીર. આજે ચૈત્ર સુદ તેરસ એટલે જ મહાવીર સ્વામીનો પ્રાગટ્ય દિવસ. કહે છે કે સાધના અને ગહન આધ્યાત્મિકતા જ જેમના જીવનનો પર્યાય છે એવાં મહાવીર ભગવાને છવ્વીસ ભવ સાધના કરી.

- Advertisement -

અને સત્યાવીસમાં ભવમાં સાડા બાર વર્ષ તપશ્ચર્યા કર્યા બાદ તેમણે તીર્થંકરનું સ્થાન પ્રાપ્ત કર્યું. અને એટલે જ તો જૈન ધર્મ ચાર શરણમાં માને છે કે, હું જ્ઞાનની શરણમાં છું. હું દર્શનની શરણમાં છું. હું તપસંયમની શરણમાં છું. અને હું ભગવાનની શરણમાં છું.

- Advertisement -

મહાવીરનું પ્રાગટ્ય

- Advertisement -

ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં બેસધા પટ્ટી નજીક આવેલાં કુંડલગ્રામમાં ચૈત્ર સુદ તેરસના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રાજા સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. જૈન ધર્માનુસાર ભગવાન મહાવીરના જન્મ પૂર્વે જ રાણી ત્રિશલાને 14 દિવ્ય સ્વપ્ન આવ્યા હતા. જેમાં સામેલ હતા સફેદ હાથી, સફેદ વૃષભ, સિંહ, લક્ષ્‍મીદેવીનો અભિષેક, ફૂલની માળા, કળશ, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પદ્મ, સરોવર, દેવવિમાન, રત્નનો ઢગલો અને ધૂમાડા વિનાનો અગ્નિ. સવારે મહારાણીએ રાજા સિદ્ધાર્થને સ્વપ્ન સંબંધી વાત કરી. રાજાએ સ્વપ્ન શાસ્ત્રના જાણકારોને બોલાવ્યા. તેમણે સ્વપ્નનો જે ભેદ ઉકેલ્યો તે નીચે અનુસાર છે. કહે છે કે વાસ્તવમાં આ સ્વપ્ન જ મહાવીરના ગુણોને અભિવ્યક્ત કરી રહ્યા છે.

રાણી ત્રિશલાના સ્વપ્નનું રહસ્ય !

⦁ સફેદ હાથી એ શ્રેષ્ઠતાનું પ્રતિક છે. એટલે જન્મનાર બાળક શ્રેષ્ઠતમ હશે.

⦁ સ્વપ્નમાં જોયેલો શ્વેત વૃષભ એ અધર્મના કીચડમાંથી ધર્મને ખેંચી લાવવાનું પ્રતિક છે.

⦁ સ્વપ્નના સિંહનો અર્થ એ છે કે બાળક સિંહ જેવો જ ઉદાર અને વીર બનશે.

⦁ લક્ષ્‍મીનો અભિષેક એ અપાર ઐશ્વર્યની પ્રાપ્તિનું સૂચક છે.

⦁ ફૂલોની માળાનો અર્થ એ છે કે બાળક ત્રિલોકમાં પૂજનીય બનશે !

⦁ કળશ એ સર્વ સંપત્તિ અને શક્તિના આધારનું પ્રતિક છે.

⦁ સ્વપ્નમાં ચંદ્રનું દર્શન એ વાતનું સૂચક છે કે આવનાર બાળકમાં ચંદ્ર સમાન જ શીતળતા હશે.

⦁ સૂર્યનો અર્થ એ છે કે બાળક અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી જ્ઞાનનો વિસ્તાર કરશે.

⦁ સપનામાં દીઠેલો સમુદ્ર એટલે તો જ્ઞાન રત્નનો ભંડાર.

⦁ દેવ વિમાનનો અર્થ એ છે કે બાળક દેવોમાં પણ પૂજનીય બનશે.

⦁ રાણી ત્રિશલાએ સ્વપ્નમાં નિહાળેલો રત્નનો ઢગલો એ વાતનો સૂચક છે કે આવનાર બાળક અગણિત ગુણોનો સ્વામી હશે.

⦁ ધૂમાડા વિનાનો અગ્નિ એટલે આત્મનિષ્ઠા.

⦁ ધ્વજ એટલે વિજયી સ્વભાવનું પ્રતિક.

⦁ પદ્મ સરોવર એટલે સુંદરતા અને મધુર સ્વભાવ !

સ્વપ્ન શાસ્ત્રના જાણકારોએ જન્મ પૂર્વે જ મહાવીરના ગુણોનું વર્ણન કરી દીધું. પણ, વાસ્તવમાં ભગવાન મહાવીરના આ ગુણોની દિવ્યતાની અનુભૂતિ તો તે ગર્ભસ્થ થયા ત્યારથી જ થવા લાગી હતી. તે જ્યારથી રાણી ત્રિશલાના ગર્ભમાં આવ્યા ત્યારથી જ રાજ્યમાં રિદ્ધિ-સંપદા વધી હતી. જેના પરથી જ જન્મ બાદ તેમનું નામ વર્ધમાન રખાયું હતું.

સંસાર ત્યાગ

માત્ર 30 વર્ષની વયે શરદઋતુમાં કૃષ્ણ પક્ષની દશમીએ વર્ધમાને સંસારનો ત્યાગ કર્યો. મહાવીર સ્વામીએ સતત 12 વર્ષ સુધી સંયમી જીવન ગાળ્યું. આ સમય દરમિયાન તેમણે મોટાભાગનો સમય ધ્યાન અને આત્મચિંતનમાં જ ગાળ્યો. તેઓ માનવ, પ્રાણી અને વનસ્પતિ સહિત સર્વ જીવોની જતના કરતા અને તેમને દુ:ખ ન પહોંચે તેનું ધ્યાન રાખતા. મહાવીર સ્વામીએ જગતને જીવ માત્ર માટેના શાશ્વત સુખનો સંદેશ આપ્યો. કે, “હે માનવો ! દરેક પ્રકારની હિંસાથી દૂર રહો. જીવ માત્ર સાથે પ્રેમ, સૌહાર્દ અને મૈત્રી રાખો. જીવન નદી જેવું છે. તમે જીવનને જે આપશો એ જ જીવન તમને પાછું આપશે.” પ્રભુનો આ સંદેશ આજે પણ એટલો જ યથાર્થ છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

- Advertisement -
- Advertisement -