- Advertisement -

કલકત્તા જીતની હૅટ-ટ્રિક પછી ચોક્કો ફટકારશે?

- Advertisement -

આજે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૉક)માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ૧૧મી અને ઓવરઑલ ૩૨મી વખત જંગ જામશે. ઓવરઑલ હેડ-ટુ-હેડ રેકૉર્ડની વાત કરીએ તો ચેન્નઈ આજે કલકત્તા સામે ૨૦મી જીત મેળવીને જીતના ટ્રૅક પર પાછું ફરવાનો પ્રયાસ કરશે, જ્યારે જીતની હૅટ-ટ્રિક કરી ચૂકેલી શ્રેયસ ઐયરની ટીમ રાજસ્થાન રૉયલ્સની જેમ ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL)ની ૧૭મી સીઝનમાં અજેય રહેવાનો ટાર્ગેટ રાખશે.

- Advertisement -

પૉઇન્ટ્સ-ટેબલમાં ૬ પૉઇન્ટસ સાથે કલકત્તા બીજા ક્રમે અને ચેન્નઈ ૪ પૉઇન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે.

- Advertisement -

ખરા અર્થમાં જોઈએ તો આજની ટક્કર વર્લ્ડ કપ ૨૦૧૧માં ભારતની જીતના હીરો એમએસ ધોની અને ગૌતમ ગંભીર વચ્ચે હશે. એમએસ ધોની મેદાનની અંદર રહીને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડને સલાહ આપશે, તો બીજી તરફ મેદાનની બહારથી કલકત્તાનો મેન્ટર ગૌતમ ગંભીર કૅપ્ટન શ્રેયસ ઐયરને ગાઇડ કરતો જોવા મળશે. સતત બે હાર છતાં કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડની ટીમ પર કોઈ દબાણ નહીં હોય, પરંતુ મૅનેજમેન્ટ ટીમની નબળાઈઓનું સમાધાન શોધવાનો પ્રયાસ કરશે. ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવીન્દ્રએ રમતમાં સુધારો કરવો પડશે અને પાવરપ્લેમાં ટીમને સારી શરૂઆત અપાવવી પડશે. વર્તમાન ટુર્નામેન્ટમાં ચેન્નઈનો સૌથી સફળ બૅટ્સમૅન શિવમ દુબે છે જેણે ૧૬૦.૮૬ના સ્ટ્રાઇક-રેટથી ૧૪૮ રન બનાવ્યા છે. ૨૦ વર્ષનો બૅટ્સમૅન સમીર રિઝવી ટીમમાં વાપસી કરે છે કે નહીં એ જોવું રહ્યું. તેણે ગુજરાત ટાઇટન્સ સામેની તેની પ્રથમ મૅચમાં ૬ બૉલમાં ૧૪ રન બનાવ્યા હતા, પરંતુ દિલ્હી કૅપિટલ્સ સામે ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યા બાદ તેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન અને મથીશા પથીરાણા ટીમની છેલ્લી મૅચમાં વિવિધ કારણસર રમ્યા નહોતા, જેણે ચેન્નઈના બોલિંગ-વિભાગની નબળાઈઓ છતી કરી હતી. જો તેઓ કલકત્તા સામેની મૅચમાંથી બહાર રહે તો તેમની ભરપાઈ કરવા માટે ચેન્નઈએ કંઈક અલગ વિચારવું પડશે. જો આ બન્ને બહાર રહેશે તો ફાસ્ટ બોલિંગ વિભાગની જવાબદારી દીપક ચાહર, તુષાર દેશપાંડે અને મુકેશ ચૌધરીના ખભા પર રહેશે; જ્યારે સ્પિન વિભાગમાં મોઇન અલી, રવીન્દ્ર જાડેજા અને મહીશ થીક્સાનાના ખભા પર રહેશે. સુનીલ નારાયણ પાસે ઇનિંગ્સની ઓપનિંગ કરાવવી કલકત્તા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે. આન્દ્રે રસેલ અને રિન્કુ સિંહ સિવાયના બૅટ્સમેનોના પ્રદર્શન પર આજે સૌની નજર રહેશે. મિચલ સ્ટાર્ક અને વરુણ ચક્રવર્તી પ્રથમ બે મૅચમાં નિષ્ફળ રહ્યા બાદ ધીમે-ધીમે તેમની લય પાછી મેળવી રહ્યા છે. એકંદરે કલકત્તાએ ઑલરાઉન્ડ પ્રદર્શન કર્યું છે અને એથી જ તેઓ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવાનું ટાળશે.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ – ૩૧
ચેન્નઈની જીત – ૧૯
કલકત્તાની જીત – ૧૧

નો રિઝલ્ટ – ૦૧

- Advertisement -
- Advertisement -