- Advertisement -

શું તમે પ્રસાદ ચઢાવવાના આ નિયમો જાણો છો? નૈવેદ્યની આ ફળદાયી વિધિથી મળશે ભગવાનની કૃપા!

- Advertisement -

સનાતન ધર્મમાં પ્રસાદનું ખૂબ જ મહત્વ છે. પ્રસાદને દેવી-દેવતાનોના આશીર્વાદ રૂપે જોવામાં આવે છે. અને એટલે જ આ પ્રસાદને તૈયાર કરવાથી લઈ તેને પ્રભુને અર્પણ કરવા સુધી કેટલાંક ખાસ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી મનાય છે. તમે પણ ઘરમાં તમારા આરાધ્ય માટે આસ્થાથી ભોગ કે નૈવેદ્ય તૈયાર કરતા જ હશો.

- Advertisement -

પણ, શું તમે જાણો છો કે આ નૈવેદ્ય તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ? શું તમે એ જાણો છો કે પ્રભુને નૈવેદ્ય અર્પણ કરવાની સાચી રીત શું છે ? આવો, આજે તે જ વિશે વિગતે માહિતી મળેવીએ.

- Advertisement -

કેવી રીતે બનાવશો નૈવેદ્ય ?

- Advertisement -

ભગવાનને ભાવતા ભોજનીયા પીરસવાનો જેટલો મહિમા છે, તેનાથી પણ વધારે મહિમા એ વાતને ધ્યાનમાં રાખવાનો છે કે, પ્રભુ માટેનો પ્રસાદ શુદ્ધ ભાવ સાથે તૈયાર થાય ! એટલે કે આ પ્રસાદ તૈયાર કરતી વખતે મનને ખૂબ જ શાંત રાખવું. તેમજ સતત પ્રભુના નામનું રટણ કરવું. જો તમે કોઈ મંત્રનો જાપ કરતા કરતા પ્રસાદ તૈયાર કરો છો, તો તે સર્વોત્તમ બની રહેશે. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની નિંદા, ક્રોધ કે આવેશથી દૂર રહેવું જોઈએ.

કેવી રીતે પીરસશો પ્રસાદ ?

એક વાર પ્રસાદ તૈયાર થઈ જાય એટલે ખૂબ જ શુદ્ધ ભાવ સાથે આ પ્રસાદ ભગવાનને પીરસવો જોઈએ. પ્રસાદ માટેનું પાત્ર એકદમ સ્વચ્છ હોવું જોઈએ. યાદ રાખો, તમે જ્યારે પ્રભુની સન્મુખ પ્રસાદ મૂકો છો, ત્યારે સાથે જળ ભરેલું પાત્ર જરૂરથી મૂકવું જોઈએ. પ્રસાદમાં અને જળના પાત્રમાં તુલસીપત્ર જરૂરથી મૂકો. પરંતુ, જો તમે ગણેશજીને કે શિવજીને ભોગ લગાવી રહ્યા હોવ તો તેમાં તુલસીપત્ર ન મૂકવું. ગણેશજીના પ્રસાદમાં દૂર્વા અર્પણ કરી શકાય. એ જ રીતે શિવજીના નૈવેદ્ય સાથે તમે બીલીપત્ર મૂકી શકો છો !

કેવી રીતે અર્પણ કરશો ભોગ ?

શક્ય હોય ત્યાં સુધી મંત્ર બોલીને જ પ્રભુને ભોગ અર્પણ કરવો જોઈએ. દેવી-દેવતાને ભોગ અર્પણ કરતી વખતે બોલવાનો મંત્ર નીચે અનુસાર છે.

ૐ શર્કરા ખંડખાદ્યાનિ દધિક્ષીર ધૃતાનિ ચ ।

આહારં ભક્ષ્‍યં ભોજ્યં ચ નૈવેદ્યં પ્રતિ ગૃહ્યતામ્ ।।

અર્થાત્…
“ખાંડમાંથી તૈયાર કરવામાં આવેલ ખાદ્ય પદાર્થ, દહીં, દૂધ, ઘી અને ભોજ્ય આહાર નૈવેદ્ય રૂપે હાજર છે. તમે કૃપા કરી તેનો સ્વીકાર કરો.” આ મંત્ર બોલ્યા બાદ તમારા ડાબા હાથને આંખોની સામે રાખો. અને જમણા હાથની પાંચ આંગણીઓ ભેગી કરી પ્રભુને નૈવેદ્ય અર્પણ કરો. તે સમયે નીચે અનુસાર મંત્રોનો જાપ કરો.

ૐ પ્રાણાય સ્વાહા ।

ૐ અપાનાય સ્વાહા ।

ૐ સમાનાય સ્વાહા ।

ૐ ઉદાનાય સ્વાહા ।

ૐ વ્યાનાય સ્વાહા ।

ૐ એવં પરબ્રહ્મણે પરમાત્મને નમઃ ।

નૈવેદ્ય મધ્યે આચમનીય જલં સમર્પયામિ ।

આમ બોલી એક પાત્રમાં એક ચમચી જળ અર્પણ કરી દો. અને ત્યારબાદ ફરી એ જ રીતે પ્રભુને ભોગ અર્પણ કરો. જો મંત્ર બોલતા ન ફાવે તો બસ બે હાથ જોડી પ્રભુને નૈવેદ્ય ગ્રહણ કરવા પ્રાર્થના કરો.

શું રાખશો ખાસ ધ્યાન ?

યાદ રાખો, પ્રસાદ અર્પણ કર્યા પછી તરત જ પાછો ન લઈ લેવો. પ્રસાદના પાત્રને થોડીવાર માટે પ્રભુની સન્મુખ રહેવા દેવું જોઈએ. જેથી તે શાંતિથી ભોગ ગ્રહણ કરીને તૃપ્ત થઈ શકે. એ જ રીતે પ્રભુની સામે પ્રસાદનું ખાલી પાત્ર પડ્યું ન રહે તેનું પણ ધ્યાન રાખવું. એટલે કે, પ્રભુ પ્રસાદ ગ્રહણ કરી લે એટલે આખું પાત્ર જ ત્યાંથી લઈ લેવું !

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

- Advertisement -
- Advertisement -