હવે નવરાત્રિને માંડ એક મહિનો બચ્યો છે, ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના લોકગાયકો પ્રિ-નવરાત્રિ માટે વિદેશમાં ટૂર કરી રહ્યા છે. એવામાં દર્દભર્યા ગીતથી લોકપ્રિય થયેલ જિગ્નેશ કવિરાજ હાલ અમેરિકામાં ધૂમ મચાવી રહ્યા છે.
ગત 7 સપ્ટેમ્બરથી જીગ્નેશ કવિરાજ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં 28 સપ્ટેમ્બર સુધી જીગ્નેશ કવિરાજના અમેરિકાના અલગ-અલગ શહેરમાં પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યા છે.
જો આજની વાત કરીએ તો, આજે તેનાશીના નશવિલામાં કાર્યક્રમ યોજાવાનો છે. જે બાદ 15 સપ્ટેમ્બરે ઈલિનોઈસના શિકાગો, 20 સપ્ટેમ્બરે વૉશિંગ્ટનના સિએટલ, 22 સપ્ટેમ્બરે તેનાશીના ક્નોક્ષવિલે, 27 સપ્ટેમ્બરે જ્યોર્જિયાના એટલાન્ટા અને 28 સપ્ટેમ્બરના રોજ કેન્ટુકીના રિચમન્ડ શહેરમાં પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે જીગ્નેશ કવિરાજે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર મૂકીને સત્તાવાર જાણકારી આપી છે. આજે સાંજે 6 થી 11 વાગ્યા દરમિયાન હર્મિટેજના GCA હૉલમાં જીગ્નેશ કવિરાજ ગરબાની રમઝટ બોલાવશે. આ માટે ઓનલાઈન ટિકિટનો ભાવ 25 ડૉલર તેમજ ઑફલાઈન ટિકિટનો ભાવ 30 ડૉલર રાખવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, જીગ્નેશ કવિરાજના ગુજરાતી ગરબા કરતાં ઉપરાંત તેમના દર્દભર્યા બેવફા ઉપરના ગીતો ગુજરાત સહિત દેશ-વિદેશમાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે તેમને ખૂબ જ ગમે છે. ‘તું મારી નઈ તો કોઈની નઈ’ ગીતે જીગ્નેશ કવિરાજને લોકપ્રિયતાના શિખર પર પહોંચાડી દીધા હતા. જે બાદ જીગ્નેશ કવિરાજના એક પછી એક બેવફા સૉન્ગ યુ-ટ્યુબર ધૂમ મચાવી રહ્યા છે. ‘એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ’ ગીત આજે પણ પ્રેમમાં ચોટ ખાઈ ચૂકેલા જુવાનીયાઓ ગણગણી રહ્યા છે. બિપોરજૉય વાવાઝોડા સમયે એક કાર્યક્રમમાં જીગ્નેશ કવિરાજે કહ્યું હતું કે, હવે બેવફાનું વાવાઝોડું આવ્યું છે.