બાંગ્લાદેશને હળવાશથી નહીં લેવાની ગાવસ્કરે ભારતીય ટીમને ચેતવણી આપી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19મી સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચની શ્રોણીનો પ્રારંભ થઈ રહ્યો છે. એક મહિનાના બ્રેક બાદ ભારતીય ટીમ માટે બાંગ્લાદેશના પડકારને પાર કરવા આસાન રહેશે નહીં.

આ અંગે ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે રોહિત શર્માની ટીમને ચેતવણી આપીને જણાવ્યું હતું કે ભારતીય ટીમ બાંગ્લાદેશને હળવાશથી લેવાની મૂર્ખામી કરશે નહીં.

બે વર્ષ પહેલાં ઢાકામાં બાંગ્લાદેશે ટેસ્ટ મેચમાં ભારત માટે મુશ્કેલીઓ સર્જી હતી. જોકે શ્રોયસ ઐયર અને અશ્વિને ભારતને વિજય અપાવ્યો હતો. ત્યારની અને વર્તમાન સમયની બાંગ્લાદેશની ટીમમાં ઘણો ફરક છે. બાંગ્લાદેશી ટીમે તાજેતરમાં જ પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે હરાવીને ટ્રોફી જીતી હતી.

ગાવસ્કરે જણાવ્યું હતું કે પાકિસ્તાનને તેના ઘરઆંગણે હરાવીને બાંગ્લાદેશે પોતાની ક્ષમતાનો પરચો આપ્યો હતો. આ શ્રોણી જીતીને તેના ખેલાડીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને હવે તેઓ ભારતને પણ તેના જ ઘરઆંગણે હરાવવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે. પ્રવાસી ટીમ પાસે કેટલાક મેચ વિનર્સ છે અને યુવા ખેલાડીઓએ પણ પ્રભાવશાળી દેખાવ કર્યા છે. તેઓ હવે હરીફ ટીમ સામે ડરતા નથી. હવે જે પણ ટીમ તેની સામે રમે છે તે બાંગ્લાદેશને સહેજ પણ હળવાશથી લેતી નથી. ભારત સામે તેના ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે તે રસપ્રદ બની રહેશે. નોંધનીય છે કે ભારતીય ટીમ આગામી કેટલાક મહિનામાં 10 ટેસ્ટ મેચ રમવાની છે અને ચાલુ વર્ષના ઓસ્ટ્રેલિયન પ્રવાસ માટે બાંગ્લાદેશ સામેની શ્રોણી પૂર્વતૈયારી સમાન રહેશે.