સંજય લીલી ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ની અત્યારથી જ ચર્ચા છે, કારણ કે તેમણે આમાં સુપરસ્ટાર્સ રણબીર, આલિયા અને વિકી કૌશલને સાઇન કર્યા છે. ઓક્ટોબર મહિનાથી આ ફિલ્મ ફ્લોર પર જઈ રહી છે. જ્યારે ભણસાલી પ્રોડક્શન હાઉસે 20 માર્ચ, 2025ને આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. ત્યારે ગુડી પડવા અને ઇદના તહેવારોને કારણે ફિલ્મને રજા અને તહેવારોનો પણ ફાયદો થશે.
વિકી અને આલિયા 2025 સુધીની તારીખો ભણસાલીને આપી ચુક્યા છે. જ્યારે રણવીર આની સાથે ‘રામાયણ’નું શૂટ પણ કરશે.
હવે એવા અહેવાલો આવી રહ્યાં છે કે સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ માટે એક મોટી નોન થિએટ્રિકલ ડીલ સાઇન કરી છે. ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મ ભણસાલી જ પ્રોડ્યુસ કરશે, બીજા કોઈ પ્રોડક્શન હાઉસ સાથે તેમની પાર્ટનરશિપ હશે નહીં. સૂત્રએ જણાવ્યું,’ભણસાલી પોતે ‘લવ એન્ડ વૉર’ને ફાયનાન્સ કરશે. આ જ રીતે વાયઆરએફ અને રેડ ચિલિઝ પણ કામ કરે છે. ફિલ્મ થિએટરમાં રિલીઝ થાય તે પહેલાં જ તેમણે નેટફ્લિક્સ સાથે પોસ્ટ થિએટ્રીકલ ડીલ સાઈન કરી લીધી છે અને સારેગામા સાથે એક ફિલ્મના મ્યુઝિક માટે એક ઐતિહાસિક ડીલ કરવામાં આવી છે.’
સૂત્રએ આગળ જણાવ્યું કે હાલ પ્રાથમિક રીતે નેટફ્લિક્સ સાથે 130 કરોડની ડીલ કરવામાં આવી છે, જો બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સારી ચાલશે તો આ ડીલ હજુ આથી પણ મોટી થઈ શકે છે. સૂત્રએ જણાવ્યું,’સંજય લીલા ભણસાલીએ ફિલ્મના સંગીત માટે સારેગામા સાથે 35 કરોડની ડીલ કરી છે, જ્યારે ટીવીના સૅટેલાઇટ રાઇટ્સ માટે એક જાણીતી ચેનલ સાથે 50 કરોડની ડીલ કરી છે.’ આમ ફિલ્મને થિએટર રિલીઝમાંથી થનારી કમાણી સિવાય ભણસાલીએ લગભગ 215 કરોડની રેવન્યુ બનાવી લીધી છે અને જો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી ગઈ તો આ આંકડામાં હજુ વધારો થઈ શકે છે. નેટફ્લિક્સે હીરામંડીની સફળતાને કારણે આ ફિલ્મ પણ પ્રિમીયમ પ્રાઇઝમાં ખરીદી છે.
સૂત્રએ વધુમાં જણાવ્યું, ‘ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો રણબીર, આલિયા અને વિકી કૌશલે આ ફિલ્મમાં પ્રોફિટ શેરિંગ ડીલ કરી છે, જેમાં રણબીરે ખુબ મોટો હિસ્સો માગ્યો છે. આ સાથે ભણસાલી આ ફિલ્મના ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ પણ ભારે ભરખમ રકમ સાથે વેંચવાના હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી ફિલ્મની રિલીઝ પછી પણ આવકનો મોટો હિસ્સો પોતાના ભાગે રાખી શકે. આ ફિલ્મ લગભગ 200 કરોડના ખર્ચે બનવાની છે. જેમાં યુદ્ધના દૃશ્યો એવા હશે જે આ પહેલા ક્યારેય જોવા મળ્યાં નથી. ‘