અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા

આખરે અદિતિ રાવ હેદરી અને સિદ્ધાર્થ પરણી ગયા. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો શેર કરીને પોતાનું સ્ટેટસ મેરીડ તરીકે અપટેડ કરી દીધું છે. નવદંપતિએ વાનાપાર્થીમાં આવેલાં એક 400 વર્ષ જૂના મંદિરમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં એક નાના સમારોહમાં પ્રભુતામાં પગલાં પાડ્યાં છે.

અદિતિ અને સિદ્ધાર્થે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતાં લખ્યું હતું, ‘તું મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા બધાં જ તારા..અનંતકાળ સુધી એકબીજીના સોલમૅટ્સ બની રહેવાની સફર શરૂ થાય છે…હસતાં, ક્યારેય મોટા ન થવાની, અનંત પ્રેમ, પ્રકાશ અને જાદુની સફર..મિસ્ટર અને મિસિસ આદુ સિદ્ધુ.’

લગ્નમાં અદિતિએ સબ્યસાચી દ્વારા ડિઝાઇન થયેલી બારીક કામવાળી અને ગોલ્ડન બોર્ડરવાળી ઓરગેન્ઝાની ચણિયાચોળી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં પહેરી હતી. જ્યારે સિદ્ધાર્થે સફેદ કૂર્તો અને ધોતી પહેરી હતી. અદિતિએ મિનિમલ મેકઅપ કર્યો હતો. તેમજ સાઉથ ઇન્ડિયન ટેમ્પલ જ્વેલરીનું મરુન, ગોલ્ડન અને વ્હાઇટ મોતુનં ચોકર, ઝૂમકા તેમજ કંગન પહેર્યાં હતાં. તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક લગ્નની અને કેટલીક રેટ્રો સ્ટાઇલમાં તસવીરો શેર કરી હતી. જેમાં અદિતિ બીબ્બોજાન જેવી જ સુંદર અને સોહામણી લાગતી હતી.

અદિતિ અને સિદ્ધાર્થે આ વર્ષે માર્ચમાં જ તેમની એન્ગેજમેન્ટની જાહેરાત કરી હતી. આ જાણ પણ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા જ કરી હતી.

અદિતિ છેલ્લે સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’માં જોવા મળી હતી. તે ઉપરાંત તેણે ‘અજીબ દાસ્તાન્સ’, ‘દિલ્હી 6’, ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ કરેલી છે.

જ્યારે સિદ્ધાર્થે તમિલ, તેલુગુ અને હિન્દીમાં ઘણી યાદગાર ફિલ્મો આપી છે. ખાસ કરીને ‘નુવ્વોસ્તાનંન્તે નેનોદ્દાંતના’, ‘રંગ દે બસંતી’, ”બોમ્મારિલ્લુસ અને ‘સ્ટ્રાઇકર’ જેવી ફિલ્મો કરી ચૂક્યો છે.