IND Vs BAN સિરીઝ ક્યારે, ક્યાં, કેવી રીતે જોઈ શકશો લાઈવ, જાણો

બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસે આવી છે અને 19 સપ્ટેમ્બરથી બંને વચ્ચે ટક્કર જોવા મળશે. ભારત તેની યજમાનીમાં બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમશે. સૌથી પહેલા એક ટેસ્ટ સિરીઝ થવાની છે, જે આ ગુરુવારથી ચેન્નાઈમાં રમાનારી ટેસ્ટ સાથે શરૂ થશે. આ પછી કાનપુરમાં બીજી ટેસ્ટ રમવાની છે. ગ્વાલિયરમાં રમાનારી પ્રથમ મેચ સાથે 6 ઓક્ટોબરથી T20 સિરીઝની શરૂઆત થશે.

સીરીઝની શરૂઆત પહેલા બંને ટીમો સખત મહેનત કરી રહી છે અને જીતવામાં કોઈ કસર છોડવા માંગતી નથી.

ભારતે ચેન્નાઈમાં પ્રી-સીઝન કેમ્પનું કર્યું હતું આયોજન

બાંગ્લાદેશ સામેની સીરિઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા 40 દિવસથી વધુના બ્રેક પર હતી. આ સમયગાળા દરમિયાન, કેટલાક ખેલાડીઓએ દુલીપ ટ્રોફી 2024માં ભાગ લીધો હતો પરંતુ કેટલાક સંપૂર્ણ વિરામ પર રહ્યા હતા. આ કારણોસર, ક્રિકેટ સીઝનની શરૂઆત પહેલા, મુખ્ય કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ, તમામ ખેલાડીઓએ ચેન્નાઈમાં પ્રી-સીઝન કેમ્પમાં સખત મહેનત કરી અને લયમાં પાછા આવવાનો પ્રયાસ કર્યો. બીસીસીઆઈએ કેમ્પ સાથે જોડાયેલા ઘણા વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં જોઈ શકાય છે કે ખેલાડીઓ પૂરા ઉત્સાહ સાથે તૈયારીમાં લાગેલા છે.

ભારતીય ફેન્સ પણ તેમના સ્ટાર્સની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ દરેકને મેદાનમાં જવાની તક મળતી નથી. આ કારણથી લોકો ઘરમાં કે પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં પણ મેચનો આનંદ માણે છે. તેથી જ તમને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી ટેસ્ટ અને ટી-20 મેચની મજા કેવી રીતે માણી શકશો તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ક્યાં જોઈ શકશો આ મેચ?

ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચેની આગામી મેચો નિયમિત ટીવી પર ડિશ સાથે સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર માણી શકાય છે. પરંતુ તમારે આ માટે કિંમત પણ ચૂકવવી પડશે. એન્ડ્રોઈડ ટીવી અને મોબાઈલ પર જિયો સિનેમા એપ્લિકેશન અથવા વેબસાઈટ દ્વારા સ્ટ્રીમિંગનો આનંદ માણી શકાય છે અને આ માટે તમારે કોઈપણ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી, એટલે કે તમે સિરીઝની તમામ મેચો સંપૂર્ણપણે મફત માણી શકો છો.