બાંગ્લાદેશ સામે રોહિત શર્માના નિશાના પર બે મોટા રેકોર્ડ, દિગ્ગજોને છોડશે પાછળ

બાંગ્લાદેશ અને ભારત વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. 19 સપ્ટેમ્બરે પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી મેચ કાનપુરમાં રમાશે. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ ટેસ્ટ સિરીઝ હશે. કેપ્ટન રોહિત પાસે સિરીઝની પ્રથમ મેચમાં કેટલીક મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરવાની તક છે. જો રોહિત આ સિરીઝમાં પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનું મજબૂત ફોર્મ ચાલુ રાખવામાં સફળ રહે છે, તો તેની પાસે દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડને પાછળ છોડવાની તક રહેશે.

રોહિત શર્મા રચી શકે ઈતિહાસ

રોહિતે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના વર્તમાન સિઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, તેણે નવ મેચોની 16 ઇનિંગ્સમાં 46.66ની એવરેજથી 700 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ત્રણ સદી અને ત્રણ ફિફ્ટી ફટકારી હતી. અહીં રોહિતનો સર્વશ્રેષ્ઠ સ્કોર 131 રહ્યો છે. વર્તમાન ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે 12મા નંબર પર છે. ટેસ્ટ ક્રિકેટમાં રોહિતના નામે હાલમાં 84 સિક્સર છે.

રોહિત પાસે સેહવાગને પાછળ છોડવાની તક

જો ભારતીય કેપ્ટન આ સિરીઝમાં 8 સિક્સર મારવામાં સફળ થાય છે તો તેની પાસે 92 સિક્સર થઈ જશે. આ સાથે, તે સેહવાગને પાછળ છોડી દેશે અને ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની જશે. હાલમાં ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ છે, જેમના નામે આ ફોર્મેટમાં 131 સિક્સર છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ 107 સિક્સર સાથે બીજા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ 100 સિક્સર સાથે ત્રીજા સ્થાને છે.

સદીઓની ફિફ્ટી

આ શ્રેણીમાં ‘હિટમેન’ પાસે ફિફ્ટી ફટકારવાની તક છે. અત્યાર સુધી તેણે 483 આંતરરાષ્ટ્રીય મેચમાં 48 સદી ફટકારી છે. આવી સ્થિતિમાં જો રોહિત બાંગ્લાદેશ સામે બે સદી ફટકારવામાં સફળ રહે છે તો તેની સદીઓની સંખ્યા 50 સુધી પહોંચી જશે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે માત્ર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જ આ સિદ્ધિ મેળવી શક્યા છે. આ સિવાય ટેસ્ટ સિરીઝમાં સદી ફટકાર્યા બાદ રોહિત ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાના મામલે રાહુલ દ્રવિડને પાછળ છોડી દેશે.