દિલજિતના પગલે, એપી ધિલ્લોન અને બ્રિટિશ બેન્ડ ભારતમાં કોન્સર્ટ કરશે

ભારતની નવી પેઢીમાં રેપર અને કોન્સર્ટ ખૂબ લોકપ્રિય છે. દિલજિત દોસાંજની ઈન્ડિયા ટૂર અત્યારે ચર્ચામાં છે. રૂ.20000 જેટલી કિંમત હોવા છતાં દિલજિતના કોન્સર્ટની 2.5 લાખ ટિકિટ બૂક થઈ ગઈ છે. દિલજિતને મળેલી સફળતાથી ઉત્સાહિત થઈને એપી ધિલ્લોન અને બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે દ્વારા ભારતમાં કોન્સર્ટનું એલાન થયું છે. કોલ્ડ પ્લેની ટિકિટનું બુકિંગ પણ 22મીથી શરૂ થઈ ગયું છે.

દિલજિત ઉપરાંત અન્ય કેટલાક જાણીતા સિંગર્સ પણ ઈન્ડિયા ટૂર પ્લાન કરી રહ્યાં છે. દિલજિતની આગામી કોન્સર્ટ ‘દિલ લુમનાટી ટૂર’ ટાઈટલ સાથે થવાની છે. વધારે કિંમત હોવા છતાં તેના શોની 2.5 લાખ ટિકિટ બૂક થઈ હોવાથી ભારતમાં કોન્સર્ટ કરવા માગતા સિંગર્સનો આત્મવિશ્વાસ વધ્યો છે. દિલજિત પછી હવે એપી ધિલ્લોન અને કરણ ઔજલાએ કોન્સર્ટનું આયોજન કર્યું છે.

ઈન્ડો-કેનેડિયન સિંગર એપી ધિલ્લોનની ટૂર અથવા તારીખો અંગે ખાસ માહિતી નથી, પરંતુ તેણે પોતાના ગીત ‘ઓલ્ડ મની’ને ગાઈને આ અંગે વાત કરી હતી. જલ્દી જ પોતાના વતનમાં આવી રહ્યા હોવાનું તેણે કહ્યું હતું. બિશ્નોઈ ગેંગના ટાર્ગેટમાં ધિલ્લોન પણ છે, તેથી ઘણાં ચાલકોએ તેને ભારત નહીં આવવા સલાહ આપી હતી. બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લે અને ‘તૌબા તૌબા’ સિંગર કરણ ઔજલા પણ ભારતમાં લાઈવ કોન્સર્ટ કરવાના છે.