ADVERTISEMENT
ADVERTISEMENT

‘દેવરા-1’ની રિલીઝ પહેલાં જ J-NTR અને ટીમને બીજા પાર્ટની ચિંતા સતાવવા માંડી

પ્રભાસ અને યશની જેમ પાન ઈન્ડિયા સ્ટાર તરીકે ઓળખ જમાવવા પ્રયાસ કરી રહેલા જુનિયર એનટીઆરની બિગ બજેટ ફિલ્મ ‘દેવરા-1’ રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મની રિલીઝ પહેલાં જ બીજા પાર્ટના કેટલાક સીન્સ શૂટ થઈ ગયાં છે. સામાન્ય રીતે પહેલી ફિલ્મ હિટ જાય તો જ સીક્વલ આવતી હોય છે. આ કિસ્સામાં વર્તમાન ટ્રેન્ડ મુજબ ‘દેવરા-1’ની રિલીઝ પહેલાં જ સેકન્ડ પાર્ટ બનાવવાનું એલાન થઈ ચૂક્યું છે.

ફિલ્મના બજેટને જોતાં તેને હિટ બનાવવા દરેક શક્ય પ્રયાસ થઈ રહ્યાં છે. કેટલાક કિસ્સામાં ફિલ્મનો પહેલો ભાગ અધૂરો લાગતો હોય છે અને ફિલ્મને અધૂરી છોડી દેવાઈ હોય તેવું ઓડિયન્સને લાગે છે. સસ્પેન્સ ઊભું કરવામાં ફિલ્મ સફળ રહી છે તેવું લાગે તો માઉથ પબ્લિસિટી ફિલ્મને હિટ કરાવી દે છે, પરંતુ અધૂરી ફિલ્મ જોઈને છેતરાઈ ગયાં તેવી લાગણી હાનિકારક છે. આ જોખમને ધ્યાને રાખીને ‘દેવરા-1’ની રિલીઝ પહેલાં જ જુનિયર એનટીઆર સહિત સમગ્ર ટીમ બીજા પાર્ટની ચિંતા સતાવવા માંડી છે.

જુનિયર એનટીઆરની છેલ્લી સોલો ફિલ્મ 2018ના વર્ષમાં રિલીઝ થઈ હતી. છ વર્ષ પહેલા આવેલી ‘અરવિંદા સામેથા વીર રાઘવ’ને માત્ર સાઉથ ઈન્ડિયન માર્કેટમાં રિલીઝ કરાઈ હતી. તે સમયે પાન ઈન્ડિયા ફિલ્મોનો જમાનો જામ્યો ન હતો. આ સમયગાળામાં જુનિયર એનટીઆરની સ્ટાર વેલ્યુ ઘણી વધી છે. ખાસ કરીને ‘RRR’ની સફળતાએ તેને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી છે, જેના કારણે જુનિયર એનટીઆર સાથે બિગ બજેટ ફિલ્મની વર્લ્ડવાઈડ રિલીઝનું આયોજન કરાયું છે. બોલિવૂડ ઓડિયન્સને ઈમ્પ્રેસ કરવા સૈફ અલી ખાન અને જાન્હવી કપૂરનો સમાવેશ પણ કરાયો છે. એકંદરે જંગી બજેટ અને મોટાં સ્ટાર્સ ધરાવતી આ ફિલ્મની રિલીઝ પૂર્વે ઓડિયન્સમાં ઉત્સુકતા છવાયેલી હોય તેવું ટ્રેલરને મળેલા રિસ્પોન્સ પરથી જણાય છે, પરંતુ સોશિયલ મીડિયાનો બઝ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી શકે તેવું માનવું વધારે પડતું છે.

કોરતાલા શિવાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર 22 સપ્ટેમ્બરે રિલીઝ થયું છે, જેમાં ફિલ્મના લીડ એક્ટર્સના રોલની ઝલક આપવામાં આવી છે. ફિલ્મમાં જુનિયર એનટીઆરના ડબલ રોલ છે, જ્યારે વિલન તરીકે સૈફ અલી ખાન છે. જાન્હવી કપૂર ફિલ્મની લીડ એક્ટ્રેસ છે. ટ્રેલરની શરૂઆતમાં જુનિયર એનટીઆરના સપનાનું વર્ણન આવે છે, જેમાં દરિયાનો કલર બદલાઈને લાલ થઈ જાય છે. દરિયામાં ઘણી લાશો પડેલી હોય તેવું દૃશ્ય છે, જેથી મોટા પાયે રક્તપાત પછીનું આ દૃશ્ય જણાય છે. ટ્રેલરમાં પ્રકાશ રાજનો વોઈસ ઓવર છે, જેઓ દરેક કેરેક્ટરનો પરિચય આપે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ફિલ્મનો વિલન સૈફ અલી ખાન ખૂબ નિર્દય છે, પરંતુ તે જુનિયર એનટીઆરનો ખાસ મિત્ર છે. જાન્હવી કપૂર અને જુનિયર એનટીઆરની લવ સ્ટોરીની ઝલક પણ અપાઈ છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆરને દેવરા અને વારા એમ બે રોલમાં જોઈ શકાશે. વિલન ભૈરાના રોલમાં સૈફ અલી ખાન છે. દેવરા અને વારાના વ્યક્તિત્વમાં પણ ઘણો તફાવત છે. જીવનમાં બહાદુરીથી લડવાનું મહત્ત્વ છે પછી સલામતીથી ટકી રહેવાનું વધારે જરૂરી છે, તે અંગેનું દ્વંધ સતત આ બંને કેરેક્ટર વચ્ચે જોવા મળે છે.

ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે એક વીડિયોમાં સંદીપ રેડ્ડી વાંગા સાથે વાત કરતાં જુનિયર એનટીઆરએ જણાવ્યુ હતું કે, આ ફિલ્મનો સીક્વલ બનાવવાનો અગાઉ ઈરાદો ન હતો. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું અને કેરેક્ટર આગળ વધતાં ગયાં ત્યારે બીજો ભાગ અનિવાર્ય જણાયો છે. ભૈરા અને થંગમ (જાન્હવી)ના કેરેક્ટર એટલા બધા વ્યાપક છે કે તેને એક ફિલ્મમાં સમાવવાનુ અઘરું છે. ભૈરા હકીકતમાં કોણ છે તે ઓડિયન્સને કહેવા માટે બીજી ફિલ્મ જરૂરી છે. થંગમ સાથેની લવસ્ટોરી છે, પણ ફિલ્મમાં ગીતો નાખવા માટેની આ સ્ટોરી નથી. થંગમ અને દેવરાના કેરેક્ટર એકબીજામાં ગૂંથાયેલા છે. ફિલ્મના ડાયરેક્ટર અને સૈફ અલી ખાન પણ અગાઉ સીક્વલને યોગ્ય ઠરાવવા માટે અનેક વખત પ્રયાસ કરી ચૂક્યા છે. આ ફિલ્મ સાથે સૈફ અને જાન્હવી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે, જ્યારે જુનિયર એનટીઆર માટે આ પહેલી પાન ઈન્ડિયા સોલો ફિલ્મ છે.

ADVERTISEMENT
ADVERTISEMENT