સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ યુરોપે લેવર કપને પોતાના નામે કરી લીધો હતો. ટીમ યુરોપે ટીમ વર્લ્ડને 13-11ના સ્કોરથી પરાજય આપ્યો હતો. 21 વર્ષીય અલ્કારાઝે રવિવારે મોડી રાત્રે છેલ્લી મેચમાં ટેલર ફિત્ઝને 6-2, 7-5થી હરાવ્યો હતો.
ટીમ યુરોપે પાંચમી વખત લેવર કપ જીત્યો છે. આ પહેલાં યુરોપે ત્રણ વર્ષ પહેલાં 2021માં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી.
સુકાની બોર્ગે પોતાના હરીફ, નજીકના મિત્ર તથા ટીમ વર્લ્ડના સુકાની જોન મેકેનરો સામે 5-2ના રેકોર્ડ સાથે પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો હતો.
ટૂર્નામેન્ટના ત્રીજા અને અંતિમ દિવસે ટીમ યુરોપ 4-8ના સ્કોરથી પાછળ હતી. અલ્કારાઝ અને કાસ્પર રુડની જોડીએ ડબલ્સ મેચમાં બેન શેલ્ટન તથા ફ્રાન્સિસ ટિયાફો સામે 6-2, 7-5થી વિજય હાંસલ કરીને સ્કોર 7-8નો કર્યો હતો. ડિમિટ્રોવ બેન શેલ્ટન સામે સિંગલ્સની મેચમાં 7-6, 5-7, 7-10થી હારી જતા ટીમ વર્લ્ડ 11-7ના સ્કોરથી આગળ થઈ હતી. ઝેવરેવે અને અલ્કારાઝે પોતપોતાની સિંગલ્સ મેચ જીતીને છ પોઇન્ટ મેળવ્યા હતા. ઝેવરેવેએ ટિયાફોને 6-7, 7-5, 10-5ના સ્કોરથી તથા અલ્કારાઝે નિર્ણાયક મેચમાં ફિત્ઝને 6-2, 7-5થી હરાવીને ટીમને 13-11ના સ્કોરથી જીતાડી દીધી હતી.