બાંગ્લાદેશ સામેની T20 સિરીઝને લઈ મોટું અપડેટ, બદલાઈ જશે સંપૂર્ણ ભારતીય ટીમ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ બાદ ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. આ સિરીઝ 6 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાશે. બીજી T20 મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં અને ત્રીજી T20 મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. T20 સિરીઝમાં ભારતીય ટીમમાં આ 15 ખેલાડીઓને સ્થાન મળી શકે છે.

T20 સિરીઝમાંથી ઘણા મોટા નામો ગાયબ હશે

જસપ્રિત બુમરાહ, રિષભ પંત, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ અને યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની T20 સિરીઝમાં જોવા મળશે નહીં.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે T20 સિરીઝ આ ફાઈવ સ્ટાર ખેલાડીઓ વિના રમાશે. વાસ્તવમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ બાંગ્લાદેશ સામેનીT20 સીરીઝ પછી તરત જ રમવાની છે. આ કારણે આ પાંચ ખેલાડીઓને T20 સિરીઝમાં આરામ આપવામાં આવશે.

ઈશાન કિશનની વાપસી શક્ય

રિપોર્ટ્સનું માનીએ તો વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન બાંગ્લાદેશ સામેની T20 સિરીઝથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. ઈશાન લગભગ 10 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. આ સિરીઝમાં ઋતુરાજ ગાયકવાડને પણ તક મળે તેવી શક્યતા છે. આ સિવાય રિયાન પરાગ અને હર્ષિત રાણા જેવા યુવા ખેલાડીઓ ટીમ સાથે રહેશે. આ સિરીઝમાં અભિષેક શર્માને પણ તક મળવાની આશા છે. અભિષેકને ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં તક મળી હતી, પરંતુ શ્રીલંકા સામેની T20 સિરીઝમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી.

બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે ભારતની સંભવિત-15 સભ્યોની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહ, રિયાન પરાગ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર.