કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’એ ધૂમ મચાવી દીધી છે. આમિર ખાને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ ઓસ્કારમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી છે. આ ફિલ્મે 29 ભારતીય ફિલ્મોને પછાડીને બાજી મારી છે.કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઓસ્કાર એવોર્ડ્સ 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ‘ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા’એ આ અંગે જાહેરાત કરી હતી.
આ સાથે કિરણ રાવનું સપનું પણ પૂરું થયું છે. મહત્ત્વનું છે કે, કિરણ રાવની આ હિન્દી ફિલ્મને 29 ફિલ્મોમાંથી પસંદ કરવામાં આવી છે જેમાં બોલિવૂડની હિટ ફિલ્મ ‘એનિમલ’, મલયાલમની નેશનલ એવોર્ડ વિનર ‘અટ્ટમ’ અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની વિજેતા ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’નો સમાવેશ છે.
આસામી ફિલ્મ ડાયરેક્ટર જાહ્નુ બરુઆહની આગેવાની હેઠળની 13 સભ્યોની પસંદગી સમિતિએ સર્વાનુમતે આમિર ખાન અને કિરણ રાવ દ્વારા નિર્મિત ‘મિસિંગ લેડીઝ’ને એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરી માટે પસંદ કરી છે.
તમિલ ફિલ્મો ‘મહારાજા’, તેલુગુ ફિલ્મો ‘કલ્કી 2898 એડી’ અને ‘હનુ-માન’ તેમજ હિન્દી ફિલ્મો ‘સ્વતંત્ર વીર સાવરકર’ અને ‘આર્ટિકલ 370’ પણ આ કેટેગરીમાં સામેલ થવાની રેસમાં હતી. ગયા વર્ષે મલયાલમ સુપરહિટ ફિલ્મ ‘2018: એવરીવન ઇઝ અ હીરો’ને ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી.
ફિલ્મ ‘લાપતા લેડીઝ’ 1 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર તેની શરૂઆત ધીમી રહી હતી. જોકે, બાદમાં તે બોક્સ ઓફિસ પર વેગ પકડવામાં સફળ રહી. અહેવાલ અનુસાર, ફિલ્મ માત્ર 75 લાખ રૂપિયાથી ઓપન થઈ હતી. આ ફિલ્મ ઓપનિંગ વીકેન્ડ સુધીમાં 4 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. થિયેટરમાં રિલીઝ થયાના 50 દિવસ પછી ‘લાપતા લેડીઝ’નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 17.31 કરોડ રૂપિયા રહ્યું.
હાલમાં જ કિરણ રાવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જો લાપતા લેડીઝ ઓસ્કાર સુધી પહોંચશે તો મારું સપનું પૂરું થશે. હાલમાં આ એક પ્રોસેસ છે અને મને ખાતરી છે કે તેના પર વિચાર કરવામાં આવશે.’