જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. જન્માષ્ટમી શ્રાવણ સુદ આઠમના દિવસે ઉજવાય છે. સમગ્ર વર્ષ દરમિયાન આવતી ખાસ અષ્ટમી તિથિમાં જન્માષ્ટમી પણ બહુ મહત્વ ધરાવે છે. જન્માષ્ટમી પર ભક્તો આખો દિવસ વ્રત ઉપવાસ કરે છે, રાતે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે અને ત્યારબાદ નોમના દિવસે પારણા કરવામાં આવે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે જન્માષ્ટમી પર કેટલાક લોકો પૂજા અને ઉપવાસ કરતી વખતે જાણી અજાણતા અમુક ભૂલ કરી બેસે છે. જેના કારણે ઉપવાસ તૂટી શકે છે. તેનાથી જીવનમાં ગરીબી પણ આવી શકે છે. આવો જાણીએ જન્માષ્ટમી પર કઈ કઈ ભૂલોથી બચવું જોઈએ …
જન્માષ્ટમી પર શું કરવું
જન્માષ્ટમી પર ભગવાનના જન્મ માટે કાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ કાકડીમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ સ્થાપિત કરવામાં આવે છે. જન્માષ્ટમી પર રાતે 12 વાગ્યે બાળ ગોપાલ કે શાલિગ્રામ ભગવાનને કાકડીમાંથી બહાર કાઢી જન્મોત્સવ મનાવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને પીળા વસ્ત્રો એટલે પિતાંબર પસંદ છે. આથી જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને પીળા રંગના વસ્ત્ર પહેરાવા જોઈએ.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપ શાલિગ્રામનો અભિષેક કરવું ખુબ મંગલકારી માનવામાં આવે છે. તેથી શંખ વડે જ પાણી કે દૂધથી શ્રીકૃષ્ણનો અભિષેક કરો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.
શ્રી કૃષ્ણનો અભિષેક કર્યા બાદ તેમને સ્વચ્છ સુંદર વસ્ત્રો, આભૂષણો, મોરપિંછ વાળો મુગટ પહેરાવો. ભગવાનનો શ્રૃંગાર કરો, ચંદનનું તિલક લગાવો અને વાંસળી અર્પણ કરો. જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણ માટે હિંડોળાને શણગારવું જોઇએ.
ભગવાન શ્રીકૃષ્ણને માખણ અને મિસરી ખૂબ જ પસંદ છે. તેથી આ દિવસે લડ્ડુ ગોપાલને ખીર, માખણ, મિસરી, દૂધની મીઠાઈ, પંજીરીનો પ્રસાદ ચઢાવો. યાદ રાખો પ્રસાદમાં તુલસી હોવી જરૂરી છે. આમ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ મળે છે.
જન્માષ્ટમી પર શું ન કરવું જોઈએ
- જન્માષ્ટમીના તહેવાર પર કાળા કપડાં પહેરવા જોઇએ નહીં. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળા વસ્ત્રોને પૂજામાં વર્જિત કહેવામાં આવે છે. તેથી પીળા કે ગુલાબી રંગના કપડાં પહેરીને પૂજા કરો.
- ભગવાન શ્રીકૃષ્ણને ભૂલમાં પણ વાસી કે સુકાઈ ગયેલા ફૂલ અર્પણ કરવા નહીં. તેમજ શ્રી કૃષ્ણને અગસ્ત્યના ફુલ ચઢાવશો નહીં. જો તમે આમ કરશો તો તમને પૂજાનું ફળ નહીં મળે.
- જન્માષ્ટમી પર તુલસી પાન તોડશો નહીં. માટે તુલસીના પાન એક દિવસ પહેલા જ તોડી લેવા જોઈએ. જો તમે તુલસી પાન તોડશો તો ભગવાન કૃષ્ણ ક્રોધિત થઇ શકે છે.
- જન્માષ્ટમી પર તામસિક ભોજન ખાવું જોઇએ નહીં. સાથે જ શરીર અને મનને શુદ્ધ રાખવું જોઈએ.
જન્માષ્ટમી 2024 તારીખ અને શુભ મુહૂર્ત
જન્માષ્ટમી શ્રાવણ સુદ આઠમ તિથિ પર ઉજવાય છે. આ તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણે મથુરાની જેલમાં અવતાર લીધો હતો. વર્ષ 2024માં જન્માષ્ટમી 26 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ વર્ષે જન્માષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 03:39 વાગ્યે શરૂ થાય છે અને 27 ઓગસ્ટના રોજ સવારે 02:19 વાગ્યે સમાપ્ત થાય છે. 26 ઓગસ્ટની મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)