ADVERTISEMENT
ADVERTISEMENT

બૉલીવુડમાં કરીઅર બનાવવા માગતી રિયા સિંઘાની સૌપ્રથમ ફિલ્મ તો આવવામાં જ છે

લવ સ્ટોરી ઑફ નાઇન્ટીઝમાં તે સેકન્ડ હિરોઇન તરીકે જોવા મળશે

રાજસ્થાનના જયપુરમાં રવિવારે મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઇટલ જીત્યા બાદ અમદાવાદની ૧૯ વર્ષની રિયા સિંઘાએ ‘મિડ-ડે’ સમક્ષ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મારું સપનું સાચું પડ્યું છે. હું ૧૫ વર્ષની હતી ત્યારથી સપનું જોતી હતી કે હું મિસ ઇન્ડિયા ક્યારેક બનીશ, મારું આ સપનું પૂરું થયું છે અને હવે મારે બૉલીવુડમાં એન્ટ્રી લેવી છે.

મને ઍ​ક્ટિંગનો પહેલાંથી બહુ શોખ છે.’

રિયા સિંઘાએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં હવે આ ટાઇટલ હાંસલ કર્યું છે ત્યારે મને સમજમાં આવે છે કે આની રિસ્પૉન્સિબિલિટી કેટલી વધુ છે. એક મહિનામાં મારે ઇન્ડિયાને રીપ્રેઝન્ટ કરવા મે​ક્સિકો જવાનું છે એટલે અત્યારે મારી જીતને સેલિબ્રેટ કરવાને બદલે હું હાલ પ્રેપરેશનમાં લાગી ગઈ છું જેથી હું ત્યાં ભારતનું નામ રોશન કરું.’

પોતાની જર્ની વિશે વાત કરતાં રિયાએ કહ્યું હતું કે ‘હું પંદર વર્ષની હતી ત્યારથી બ્યુટી-કૉન્ટેસ્ટમાં ભાગ લેવાનું સ્ટાર્ટ કર્યું હતું. સ્કૂલ જતી હતી ત્યારથી હું મૉડલિંગ અને ઍ​ક્ટિંગ કરતી હતી. મને નાની ઉંમરથી બહુ શીખવાનું મળ્યું છે. આજે હું ૧૯ વર્ષની છું અને મને ટાઇટલ જીતવાની ગ્રેવિટી શું છે એ સમજમાં આવી ગયું છે. અમદાવાદમાં મહાત્મા ગાંધી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં મેં અભ્યાસ કર્યો છે અને આ એક અલગ સ્કૂલ છે. બધા જ સ્ટુડન્ટ્સને તેમની ​​સ્કિલને કેવી રીતે વધારી શકાય એ આ સ્કૂલ શીખવી રહી છે. મને મારી સ્કૂલ માટે બહુ ગૌરવ છે. સ્કૂલ બાદ હું હાલ અમદાવાદમાં આવેલી ગુજરાત લૉ સોસાયટી યુનિવર્સિટીમાંથી બૅચલર ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છું.’

મારે બૉલીવુડમાં એન્ટ્રી લેવી છે એમ જણાવતાં રિયાએ કહ્યું હતું કે ‘મને નાનપણથી જ ઍક્ટિંગનો બહુ શોખ છે. એ સપનું મારે પૂરું કરવું છે. જોકે મારી પહેલી ફિલ્મ તો થોડા સમયમાં આવવાની પણ છે. ‘લવ સ્ટોરી ઑફ નાઇન્ટીઝ’ નામની ફિલ્મમાં હું જોવા મળીશ. અધ્યયન સુમન અને દિવિતા રાય એમાં મુખ્ય ભૂમિકામાં છે અને હું સેકન્ડ લીડ પ્લે કરી રહી છું. હું બહુ ખુશ છું કે મેં આ ફિલ્મમાં કામ કર્યું. મેં ઍડ પણ કરી છે અને તેલુગુ મૂવી પણ કરી છે.’

આ ટાઇટલ જીતતાં મારા પપ્પા બ્રિજેશભાઈ, મમ્મી રીટાબહેન અને મોટી બહેન આશ્કાને મારા પર બહુ ગર્વ થયો છે. મારાં મમ્મી-પપ્પાએ મને સતત સપોર્ટ કર્યો છે. મેં જ્યારે મારી જર્ની ચાલુ કરી ત્યારથી મારા પેરન્ટ્સને મારા પર વિશ્વાસ હતો કે હું કંઈક કરીશ. તેમના આ વિશ્વાસને કારણે જ હું આગળ વધી શકી અને આજે હું જે છું એ તેમના કારણે છું. મારી બહેન આશ્કા મારી સૌથી મોટી સપોર્ટર છે.

રિયાનાં મમ્મી રીટા સિંઘા કહે છે : રિયા નાની હતી ત્યારથી તેને ઍક્ટિંગનો, કૅટવૉકનો શોખ હતો

ADVERTISEMENT
ADVERTISEMENT

ગુજરાતની રિયા સિંઘા સરનેમ પરથી ગુજરાતી ન લાગે, પણ તેની મમ્મી ગુજરાતી છે અને તેનાં દાદી પણ ગુજરાતી છે. બિહારી મૂળ ધરાવતા રિયાના પપ્પા બ્રિજેશ સિંઘાનો જન્મ અમદાવાદમાં જ થયો છે. રિયાનો જન્મ ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં થયો છે.

રિયાનાં મમ્મી રીટા સિંઘાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીકરીએ આ ટાઇટલ જીત્યું એનાથી મને, તેના ફાધર બ્રિજેશ અને તેની મોટી બહેન આશ્કા સહિત અમારી આખી ફૅમિલીને તેના પર બહુ જ ગર્વ થયો. તેની આ સફળતા માટે અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ. તે હાર્ડ વર્ક કરે છે એ અમે જોઈએ છીએ અને તેના હાર્ડ વર્કને કારણે તેણે આ મુકામ હાંસલ કર્યો છે. આ ટાઇટલ જીત્યું ત્યારે અમે પણ તેની સાથે જયપુરમાં હતાં. તે અમારી પાસે આવી ત્યારે તે એટલી ઇમોશનલ થઈ ગઈ હતી કે કંઈ બોલી ન શકી. અમે બધાં પણ તેની આ જીત પર ઇમોશનલ થયાં હતાં.’

મારો અને મારા હસબન્ડ બ્રિજેશનો જન્મ અમદાવાદમાં થયો છે એમ જણાવતાં રીટાબહેને કહ્યું હતું કે ‘અમારાં લવ-મૅરેજ છે. હું ઠક્કર પરિવારમાંથી આવું છું અને મારાં સાસુ મોદીપરિવારમાંથી છે. અમે વૈષ્ણવ ધર્મ ફૉલો કરીએ છીએ. રિયાનો જન્મ ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં થયો હતો. તે નાની હતી ત્યારથી તેને ઍ​ક્ટિંગનો, કૅટવૉકનો શોખ હતો. નવાં કપડાં પહેરે તો તે કૅટવૉક કરવાનું શરૂ કરી દેતી હતી. અમને ખબર પડી કે તેને આમાં ઇન્ટરેસ્ટ છે તો તેને આગળ વધવા દીધી છે.’

ADVERTISEMENT
ADVERTISEMENT