વ્રત માટે સ્પેશિયલ બટાકાની ખીર બનાવવાની સરળ રીત નોંધી લો, જેને સૌ કોઈ બનાવી શકશે

શાકભાજીનો રાજા બટાકા જેનો સ્વાદ બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેકને પસંદ આવે છે. બટાકા વિના ઘણા શાકનો સ્વાદ અધૂરો લાગે છે. ઉપવાસમાં વપરાતા શાકભાજીમાં બટાકાનો સમાવેશ થાય છે. ઉપવાસ દરમિયાન લોકો બટાકાનો હલવો, તળેલા બટાકા અને બટાકાની ચિપ્સ ખૂબ જ ખાય છે, પરંતુ શું તમે ક્યારેય બટાકાની ખીર ખાધી છે?

જો તમે શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ કરો છો, તો આ વખતે આ ખાસ બટાકાની ખીરની રેસિપી જરૂર ટ્રાય કરો. બટાકાની ખીર બનાવવી ખૂબ જ સરળ છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાણો કેવી રીતે બનાવવી બટાકાની ખીર..

સામગ્રી

  • બટાકા-300 ગ્રામ
  • ઘી-3-4 ચમચી
  • બારીક સમારેલી બદામ-12થી 15
  • બારીક સમારેલા કાજુ
  • કિસમિસ
  • એલચી પાવડર-1/2 ચમચી
  • કેસર-1/4 ચમચી
  • ખાંડ સ્વાદ મુજબ

બટાકાની ખીર બનાવવાની સરળ રીત

  • બટાકાની ખીર બનાવવા માટે સૌથી પહેલા બટાકાને ધોઈને, કૂકરમાં પાણી અને થોડું મીઠું નાખીને બાફી લો.
  • જ્યારે તે ઠંડા થઈ જાય, ત્યારે બટાકાની છાલ કાઢીને તેને સારી રીતે મેશ કરી લો.
  • હવે એક ભારે તળિયાવાળા વાસણમાં દૂધ નાખીને મીડિયમ ફ્લેમ પર ઉકળવા માટે રાખી દો.
  • દૂધ ઉકળી જાય ફ્લેમ ધીમી કરીને છૂંદેલા બટાકાને ધીમે-ધીમે ઉમેરો.
  • આ પછી ચમચીની મદદથી મિશ્રણને હલાવતા રહો અને જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં ખાંડ નાખીને મિક્સ કરો.
  • બીજી તરફ એક પેનમાં થોડું ઘી લો. હવે તેમાં બદામ, કાજુ અને કિસમિસને હળવા સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
  • આ પછી તેને બહાર કાઢીને એલચી પાવડર અને કેસરની સાથે ખીરમાં નાખીને મિક્સ કરો.
  • ધ્યાન રાખો કે ખીરને ધીમી ફ્લેમ પર 10-15 મિનિટ સુધી રાંધવાની છે અને વચ્ચે-વચ્ચે હલાવતા પણ રહો.
  • જ્યારે ખીર તૈયાર થવાની હોય, તેના 3-4 મિનિટ પહેલા 1 ચમચી ઘી પણ નાખીને મિક્સ કરો.
  • આ પછી ખીરને ગેસ પરથી ઉતારીને ઠંડી થાય ત્યાં સુધી ઢાંકીને રાખી દો.
  • પછી ખીરને બાઉલમાં કાઢીને બાકીના ઘી અને શેકેલી બદામ, કાજુ અને કિસમિસથી ગાર્નિશ કરો.
  • તમારી બટાકાની ખીરને ગરમાગરમ કે ઠંડી સર્વ કરો અને તેના સ્વાદનો આનંદ માણો.