કોણ કહે છે કે તન્નુ વેડ્સ-મન્નુ 3 માં કંગના નથી: આનંદ એલ રાય

આનંદ એલ રાયને ટેલેન્ટેડ ડાયરેક્ટરમાંથી એક માનવામાં આવે છે. એમની મોટાભાગની ફિલ્મોએ સફળતા મેળવી છે. એ કોઇ પ્રોજેક્ટ હાથમાં લે એટલે એ પ્રોજેક્ટ ફિલ્મી પડદે જલદી આવે એવી તમામ દર્શકોને રાહ હોય. એટલે જ આનંદને એમના દરેક ઇન્ટર્વ્યૂમાં અવારનવાર તન્નુ વેડ્સ મન્નુના ત્રીજા ભાગ વિશે પૂછવામાં આવે છે.

એ કહે છે કે, હું ક્યાંય પણ જઉં તો બીજી બધી વાતોની સાથે અથવા તો અંતે એક પ્રશ્ન અવશ્ય હોય કે તમે તન્નુ વેડ્સ મન્નુનો ત્રીજો ભાગ ક્યારે બનાવશો.

મને લાગે છે કે ઘણી વાર્તાઓ એટલી સફળ હોય છે કે લોકોને એનો બીજો ભાગ આવે એવી આશા હોય જ. અમે નસીબદાર છીએ કે અમારી ફિલ્મના ત્રીજા ભાગ માટે પણ દર્શકોમાં આટલી આતુરતા છે. ત્રીજા ભાગ માટે આટલી આતુરતા છે એનો મતલબ એવો છે કે અમે બીજો ભાગ પણ સારી રીતે રજૂ કરવામાં સફળ રહ્યા છીએ. મોટેભાગે એવું બનતું હોય છે કે પહેલી ફિલ્મ તો શ્રેષ્ઠ હોય, પણ બીજી ફિલ્મને એટલો ન્યાય ન આપી શકાય. અમારા કેસમાં એવું નથી થયું એની ખુશી છે.

આનંદને પૂછવામાં આવ્યું કે તન્નુ મન્નુનો ત્રીજો ભાગ ક્યારે આવશે? એના જવાબમાં એણે કહ્યું કે અમે વાર્તા ઉપર કામ કરી રહ્યા છીએ. પહેલા બંને ભાગ સારા રહ્યા છે એટલે અમારી ઉપર ભારણ કંઇક વધારે જ છે. અમે ત્રીજા ભાગમાં પણ દર્શકોને એટલા જ ઇમ્પ્રેસ કરી શકીએ એ માટે વાર્તા દમદાર જોશે. હાલ વાર્તા ઉપર જ કામ ચાલી રહ્યું છે અને અમને જ્યારે એમ લાગશે કે પરફેક્ટ વાર્તા તૈયાર થઇ ગઇ છે એટલે બીજે જ દિવસથી પ્રી પ્રોડક્શનનું કામ શરૂ કરાવી દઇશું. આ ફિલ્મના ત્રીજા પાર્ટમાં કલાકારો એ જ હશે? એ સવાલના જવાબમાં આનંદે કહ્યું કે મેં બહુ સાંભળ્યું છે કે કંગના નહીં હોય પણ ખરું પૂછો તો ત્રીજો પાર્ટ બનાવવાનો વિચાર્યો ત્યારથી જ એનું નામ ફાઇનલ જ હતું. એના સિવાય બીજા કોઇ હશે કે કેમ, એ નક્કી નથી. આગામી સમયમાં વાર્તા પૂરી થાય એ પછી જ એની ખબર પડે.