હિન્દી બોક્સઓફિસ પર દક્ષિણ ફિલ્મોનું પ્રભુત્વ કેટલું છે?

હિન્દી સિનેમાના કલાકારો માટે દક્ષિણ ફિલ્મની સફળતા પડકારરૂપ છે. હિન્દીના નિર્માતાઓ, વિતરકો સહિત દક્ષિણ સિનેમા તરફ આકર્ષિત થવા લાગ્યા છે. બિગ સ્ટાર્સ પણ આ દક્ષિણ પ્રાંતના દિગ્દર્શકો સાથે ફિલ્મો કરવા અધીરા બન્યા છે. દક્ષિણ અને હિન્દી ફિલ્મોનું કનેક્શન પ્રેઝન્ટલી જેટલું પાવરફુલ છે એટલું ક્યારેય બન્યું નથી.

દક્ષિણના કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરતા.

એમના દિગ્દર્શકો પણ હિન્દી ફિલ્મો બનાવતા, પણ સફળતાનો સૂચકઆંક ખાસ ન હતો. એવા ઘણા કિસ્સાઓ છે કે હિન્દી સિનેમાની અભિનેત્રીઓએ દક્ષિણ ફિલ્મથી ડેબ્યૂ કરીને ફિલ્મી કરિયરનું સ્ટાર્ટઅપ કર્યું હોય. ઐશ્વર્યા રાયની ફર્સ્ટ સક્સેસ અને ફર્સ્ટ ફિલ્મ તમિલ જ હતી. દિગ્દર્શક મણિરત્નમની ઈરૂવર અને ત્યારપછી શંકર સાથેની જીન્સ ઐશ્વર્યાની એક્ટિંગને હિટ ટેગ આપનારી બની હતી.

દક્ષિણ પ્રાંતની ફિલ્મોમાં હવે અભિનેતાનો ઝુકાવ પણ ઘણો વધ્યો છે. હિન્દી કલાકારો દક્ષિણની ફિલ્મોમાં કામ કરવા ઉત્સુક થયા છે અને બીજી તરફ દક્ષિણની હિન્દી ડબ્ડ ફિલ્મો હિન્દી બોક્સઓફિસ પર બમ્પર કમાણી પણ કરી જાય છે. દક્ષિણનો પ્રભાવ ટેલિવિઝનને કારણ પણ વધ્યો એમ કહી શકાય. હિન્દી મૂવી ચેનલના પ્રાઈમ ટાઈમમાં હિન્દી ઓરિજિનલ ફિલ્મોનું ટેલિકાસ્ટ ઓછું અને હિન્દી ડબ્ડ ફિલ્મો વધુ આવે છે, જે ફિલ્મો જોવાની ટેવ દર્શકોને પડી. દક્ષિણની વાર્તાઓ ગમવા લાગી અને આજે એ વાર્તાની મજા બોક્સઓફિસ પર દેખાવા લાગી છે.

આજે ટ્રિપલ આર ફેમ અને તેલુગુ સિનેમાનો પાવરસ્ટાર જુનિયર એનટીઆરની એક્શન ડ્રામા દેવરા પાર્ટ વન રિલીઝ થવાની છે. ટ્રિપલ આર પછી એનટીઆરની આ બીજી હિન્દી ડબ્ડ ફિલ્મ હિન્દી બોક્સઓફિસ પર રજૂ થશે. એવું જરૂરી નથી કે દરેક હિન્દી ડબ્ડ ફિલ્મને સફળતા મળે જ! દક્ષિણની અનેક ડબ્ડ ફિલ્મોની હિન્દી બોક્સઓફિસ પર બે કરોડનો આંકડો પણ પાર કરી શકી નથી. હાલમાં જ સાઉથ સ્ટાર વિજયની તમિલ ફિલ્મ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ હિન્દીમાં રિલીઝ કરવામાં આવી હતી. દક્ષિણમાં રેકોર્ડ બ્રેક કમાણી કરનારી આ ફિલ્મ હિન્દી બોક્સઓફિસ પર સાત આઠ કરોડ પર અટકી ગઈ છે. કમલ હાસનની ઈન્ડિયન 2 સુપર ફ્લોપ રહી હતી.

દક્ષિણ એટલે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાની ફિલ્મો. સાઉથના ફિલ્મકારોએ હિન્દી બોક્સઓફિસ પર હિટ થવા માટે એક ફોર્મ્યુલા નવી અપનાવી છે અને એ છે હિન્દી કલાકારને ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં એન્ટ્રી અપાવવી. એનટીઆરની દેવરા પાર્ટ વનમાં મેઈન વિલનમાં સૈફ અલી ખાન છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર છે. સાઉથ બેલ્ટ માટે એનટીઆરનું નામ કાફી છે અને હિન્દીમાં ચર્ચાનો વિષય બનાવવા માટે હિન્દી કલાકારોનાં નામ પર્યાપ્ત છે. એનટીઆરે ટ્રિપલ આર ફિલ્મથી હિન્દી દર્શકોના માનસ પર અલગ ઓળખ ઊભી કરી છે. જોકે, એ ફિલ્મની સફળતામાં દિગ્દર્શક એસ. એસ. રાજામૌલી અને બાહુબલી બ્રાન્ડનો ભૂતકાળ પણ મહત્ત્વનો છે. ટ્રિપલ આર પછી એનટીઆરે આ ફિલ્મથી હિન્દી બેલ્ટમાં ડંકો વગાડવાની તૈયારી કરી લીધી છે. હિન્દીમાં આ ફિલ્મનું ડિસ્ટ્રિબ્યુશન કરણ જોહરે કર્યું છે.

હિન્દી બોક્સઓફિસ પર બાહુબલી ફિલ્મથી ટંકશાળ પડવાનું શરૂ થયું. ફર્સ્ટ પાર્ટની કમાણીનો આંકડો 120 કરોડની આસપાસ રહ્યો હતો, પણ બાહુબલીનો બીજો ભાગ સર્વાધિક કમાણી કરનારો બન્યો. 511 કરોડનો આંકડો હિન્દી બોક્સઓફિસ પર પાર કરનારી આ પહેલી ફિલ્મ બની હતી. એ પછી કેજીએફનું તૂફાન આવ્યું. પાર્ટ વનમાં સાધારણ સફળતા મળી હતી, પણ પાર્ટ ટુ 434 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મમાં હિન્દી કોમ્બિનેશન બનાવ્યું હતું. સંજય દત્ત અને રવિના ટંડનની આ ફિલ્મમાં એન્ટ્રી કરવામાં આવી હતી. સાય ફાય ફિલ્મોના માસ્ટર ડિરેક્ટર શંકરે રોબોટનો પાર્ટ ટુ બનાવ્યો. રજનીકાંત સાથે અક્ષય કુમારનું કોમ્બિનેશન સેટ કરવામાં આવ્યું અને હિન્દી બોક્સઓફિસ પર 188 કરોડનો વકરો કરવામાં ફિલ્મ સફળ રહી. હિન્દીમાં અલ્લુ અર્જુનની પુષ્પા ફ્રેન્ચાઈઝી ફિલ્મનો પણ વટ પડ્યો હતો. બાહુબલી, કેજીએફ પછી પુષ્પાનું તૂફાન આવે એવી શક્યતા છે.