ફિલ્મ રિવ્યુ: દેવા રે દેવા

૨૦૨૩માં ‘બાહુબલી’ પ્રભાસની ‘મિર્ચી’ નામની ફિલ્મ આવી હતી. બૉક્સ-ઑફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મના ડિરેક્ટરનું નામ કોરટાલા શિવા. ‘બાહુબલી’ના ડિરેક્ટર રાજામૌલીની હવેની ફિલ્મના હીરો મહેશ બાબુની હિટ ફિલ્મ ‘શ્રીમાન્થુડુ’ (૨૦૧૫)ના ડિરેક્ટર એટલે કોરટાલા શિવા. રાજામૌલીની જ ‘RRR’ના એક અભિનેતા રામચરણ અને તેના પિતા ચિરંજીવીને લઈને બે વર્ષ પહેલાં ‘આચાર્ય’ નામની ફિલ્મ શિવા સાહેબે બનાવી હતી, જે ઊંધેકાંધ પટકાઈ હતી.

હવે ‘RRR’ના બીજા ‘R’ એટલે કે જુનિયર NTRને લઈને તેમણે ‘દેવરા’; ના, ‘દેવરા પાર્ટ 1’ બનાવી છે. આ જોખમી સંકેત છે! દેવરા ૧૭૭ મિનિટની છે અને જો વાર્તાની પકડમાંથી દર્શક છૂટી જાય તો કમલ હાસનની ‘ઇન્ડિયન 2’ જેવું થાય! શંકરની ‘ઇન્ડિયન 3’ના નામથી લોકો ડરે છે. જેમ આજકાલ મેકર્સ ‘ઍનિમલ’ની અસરમાં છે એમ કોરટાલા શિવા રાજામૌલીથી પ્રભાવિત હોય એવું લાગે છે. ‘દેવરા’ પર સીધી ‘બાહુબલી’ની અસર છે પણ ‘દેવરા’ ‘બાહુબલી’થી દેખાય જ નહીં એટલી દૂર છે.

સારુંશુંછે?

દક્ષિણ (તામિલ)ના વિજય થલપતિની જેમ જુનિયર NTR પણ ‘અવારનવાર’ ડબલ રોલ કરતો રહે છે. સ્વર્ગસ્થ નેતા અને અભિનેતા સ્વર્ગસ્થ નંદમૂરિ તારક રામારાવ (NTR)ના પૌત્ર એવા જુનિયર NTRની ડબલ રોલવાળી આ પાંચમી ફિલ્મ છે. યસ, બાપ જેવા જ ચહેરાવાળો દીકરો! (કહ્યુંને, ‘બાહુબલી’ની અસર છે!) ફિલ્મોમાં એ કેવું કે હીરોનો જ ચહેરો આબેહૂબ તેના બાપ જેવો દેખાય, વિલનનો નહીં! જેમ કે અહીં ભૈરવા (સૈફ અલી ખાન)નો પણ દીકરો છે, જે તદ્દન જુદો (ઑબ્વિઅસલી) લાગે છે. ટિપિકલ સાઉથની ફિલ્મની જેમ ‘દેવરા’ની શરૂઆત થાય છે. બૉમ્બબ્લાસ્ટ જેવું કંઈક થવાનું છે, એની છાનબીન પોલીસ કરી રહી છે એમાં રત્નાગિરિ બાજુ– સમુદ્રતટે વસેલાં ચાર ગામની વાર્તા ઊઘડે છે. નરેટર (પ્રકાશ રાજ) છે. તેમનું નામ સિંગપ્પા છે. તે પોલીસ-અધિકારીને ‘યહાં પાની કી જગહ ખૂન બહતા હૈ’, ‘ડરના હો તો દેવોં કી કહાની સુનો, ડર કો સમઝના હો તો દેવરા કી’ એવું બધું કહીને વાર્તા કહેવાની શરૂઆત કરે છે.

આ શરૂઆત સારી છે. પહેલાં રાજરજવાડાની વાત ચાલે છે. બાદમાં અંગ્રેજો ગયા પછીની. ચાર ગામના મુખિયા કઈ રીતે સાથે કામ કરતા અને પછી નોખા પડ્યા, વગૈરહ. શરૂઆતી શિપ લૂંટવાની સીક્વન્સ ઇન્ટરેસ્ટિંગ છે. ‘દેવરા’નાં ઍક્શન દૃશ્યો (ખાસ કરીને અન્ડરવૉટર) અદ્ભુત કોરિયોગ્રાફ થયાં છે. ‘મૅન ઑફ માસિસ’ જુનિયર NTRએ એ ભજવવામાં ઘણી મહેનત કરી છે. ટ્રેલરમાં બતાવે છે એ દરિયામાંથી ઊછળતી શાર્ક માછલીવાળો તથા લોહીના છાંટાથી પૂર્ણ થતો અર્ધચંદ્ર – આ સીન્સ દમદાર છે. એની પાછળ અનિરુદ્ધના સંગીતનો પણ ફાળો છે. જોકે તે અહીં ‘વિક્રમ’ કે ‘જેલર’ સુધી નથી પહોંચી શક્યો, પણ ‘ઇન્ડિયન 2’ કરતાં સારું છે! બહુધા દૃશ્યો રાતનાં હોવા છતાં ટૉર્ચ લઈને જોવું પડે એવું નથી થયું! VFXનો પણ સરસ ઉપયોગ થયો છે. સિનેમૅટોગ્રાફર રત્નાવેલુ અને આર્ટ-ડિરેક્ટર સાબૂ સિરિલે કાલ્પનિક દરિયાઈ દુનિયા દર્શાવી છે.

સારુંશુંનથી?

જુનિયર NTRની ‘RRR’ પછી પૅન ઇન્ડિયા સ્ટાર તરીકે લૉન્ચ કરતી ‘દેવરા’માં લોચો એ થયો છે કે એમાં, ઉપર વાત કરી એ, અન્ડરવૉટર તથા જમીની ફાઇટ-સીક્વન્સ કાઢી નાખો તો કશું જ વધતું નથી. એટલે કે લેખકમાંથી ડિરેક્ટર બનેલા કોરટાલા શિવા સાહેબે સ્ક્રીનપ્લેમાં લોચો માર્યો છે. ‘બાહુબલી’ હોય કે ‘KGF’, એનાં ઍક્શન દૃશ્યો લોકોને ગમવા પાછળ એની દમદાર બૅકસ્ટોરી હતી. અહીં વાર્તા જૂનીપુરાણી છે. પ્રિડિક્ટેબલ પણ છે અને પૂરી થતા સુધીમાં તો ‘બાહુબલી’ની છાંટ ઊડીને આંખે વળગે છે. નબળી વાર્તાના કારણે જ પિતા-પુત્રવાળો પ્લૉટ પણ રિપીટેડ લાગે છે. બીજું એ કે ઑલમોસ્ટ આખી ફિલ્મમાં સ્ક્રીન પર દેખાયા કરે છે એમ છતાં જુનિયર NTRના ફાળે ‘RRR’ના ઇન્ટરવલ બ્લૉક જેવો ‘મૅન ઑફ માસ સીન’ આ ફિલ્મમાં નથી આવ્યો! જાહ્વવી કપૂરના ફાળે તો કશું જ નથી આવ્યું; એક નાહવાનો સીન, એક ગીત અને થોડી ઠઠ્ઠામશ્કરી સિવાય.

અન્ય તેલુગુ ફિલ્મોની જેમ અહીં કૉમેડી દૃશ્યો ભંગાર ફિલ્માવાયાં છે. ઇન્ટરવલ બાદનો એ પ્લૉટ સદંતર નીરસ જાય છે. ખ્યાલ આવે છે કે પાત્રોના એસ્ટાબ્લિશમેન્ટ માટે એ ‘સમય બગાડાઈ રહ્યો’ છે. લૉજિકમાં તો અમદાવાદમાં પડેલા ભૂવાઓ જેટલા ખાડા છે. NTR શર્ટ ગોવિંદા જેવું સ્ટાઇલિશ પહેરે છે અને ગામમાં કોઈ પાસે મોબાઇલ નથી. જાહ્નવી કપૂર સાથે ડાન્સ કરવા ભાઈ થાઇલૅન્ડ જાય છે! ઠીક છે, એ તો સપનું હતું પણ ૧૭૭ મિનિટની ફિલ્મ છે અને પૅટર્ન એ જ છે ઃ ભાઈઓં કા ભાઈ, સમાજ કા રખવાલા, હમારા મસીહા ઃ દેવરા! આ પૅટર્ન એક્ઝિક્યુશન જડબેસલાક હોય અને લોકોને કંઈ વિચારવાનો સમય ન મળે તો વર્ક કરે. ‘દેવરા’માં બીજો ભાગ બનાવવાની લાલચમાં વાર્તા ખેંચાઈ હોય એવું પણ લાગે છે.

આમ તો વર્શિપ કરવા માટે જાણીતી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં બીજા કલાકારનું ખાસ કંઈ કામ હોય નહીં, પણ અહીં સૈફ અલી ખાન છે. તેલુગુ દર્શકો માટે આ નવો વિલન છે! ગયા અઠવાડિયે જ રી-રિલીઝ થયેલી ‘ઓમકારા’માં આપણે તો તેમને જોઈને નવાજી ચૂક્યા છીએ. જોકે ‘દેવરા’માં એક પૉઇન્ટ પછી તેનું ભૈરવાનું પાત્ર નબળું થતું જાય છે અને એક સમયે તે પણ અતાર્કિક લાગે છે! આ સાથે શ્રુતિ મરાઠે, રામેશ્વરી, જાણીતા તેલુગુ અભિનેતા શ્રીકાંત અને મુરલી શર્મા સહિતના કલાકારો છે.