આ નાટક થકી હું મારા ઑડિયન્સને સેલિબ્રેટ કરવા માગું છું

કોઈ પણ નાટક જોવા જઈએ ત્યારે નાટક શરૂ થતાં પહેલાં બેલ વાગે છે. પહેલી અને બીજી બેલ એક ટકોર જેવા હોય છે જે દરમિયાન શ્રોતાઓએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવાનું હોય છે, પરંતુ થર્ડ બેલ એટલે કે ત્રીજી બેલ વાગતાંની સાથે સ્ટેજનો પડદો ખૂલી જાય છે અને શ્રોતા જેની રાહ જોઈએ રહ્યા હતા એ નાટક શરૂ થઈ જાય છે. નાટ્યગૃહની આ ચીલાચાલુ લાગતી ઘટમાળને શ્રોતાની દૃષ્ટિએ જોવાનો વિચાર આવ્યો પોતાના અવનવા નાટ્યપ્રયોગો માટે જાણીતા નાટકના પ્રોડ્યુસર-ડિરેક્ટર મનોજ શાહને.

તેમણે બનાવ્યું નાટક ‘થર્ડ બેલ’. છેલ્લાં ૪૦ વર્ષથી ગુજરાતી નાટ્યભૂમિને અવનવા વિષયો પર નાટકો આપનાર મનોજભાઈનું આ ૧૦૪-૧૦૫મું નાટક હશે. આ પહેલાં આ નાટકના ૮ શો થઈ ચૂક્યા છે.

હેમંત ખેર, દિશા સાવલા ઉપાધ્યાય, ક્રિષ્ના ઓઝા, ધ્રુવ દવે, હસિત શાહ, પ્રિયંક પટેલ, પિન્કેશ પ્રજાપતિ, દેવ જોશી, સૃષ્ટિ સોરઠિયા, રિષભ કામદાર, મેઘા જોશી, હર્ષ જોશી, સાવન દોઢિયા, હુસૈની દવાવાલા અભિનીત નાટક ‘થર્ડ બેલ’ મનોજ શાહનું નવું નાટક છે. મનોજભાઈના પ્લેમાં ઘણાં એકાકી નાટક હોય છે પરંતુ આ નાટકમાં આટલી મોટી કાસ્ટ? આ પ્રશ્નનો જવાબ આપતાં મનોજભાઈ હસતાં-હસતાં કહે છે, ‘આ તો ઑડિયન્સની વાત છે. એ તો ઝુંડમાં જ હોયને! ‘થર્ડ બેલ’ પ્રેક્ષકો માટેનું નાટક છે. પ્રેક્ષક ખુદને તખતા પર બેસેલો જુએ છે. આ નાટકમાં પ્રેક્ષક પોતાને ખોળી શકશે.’

આ નાટકમાં સંગીત અમિત ભાવસારનું છે. નાટકમાં આવતું ગીત ભાર્ગવ પુરોહિતે લખેલું છે. મનોજ શાહનું નાટક ‘મોહનનો મસાલો’ અત્યંત લોકપ્રિય નાટક છે જેનું લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં નામ પણ નોંધાયું છે. એના લેખક ઈશાન દોશી હતા. ‘થર્ડ બેલ’ના લેખક પણ ઈશાન જ છે. આ મનોજ શાહ માટેનું તેમનું બીજું નાટક છે. હર્ષિત થઈને મનોજ શાહ કહે છે, ‘બીજી ઑક્ટોબરે ઈશાન માટે પણ મોટો દિવસ છે, કારણકે NCPAમાં તેનાં બન્ને નાટક ‘મોહનનો મસાલો’ સાંજે ૪ વાગ્યે અને ‘થર્ડ બેલ’ સાંજે સાત વાગ્યે ભજવાશે. બન્ને તેનાં જ નાટક, એક જ દિવસે, એક પછી એક ભજવાશે.’

આ નાટકમાં મિશ્ર ભાષાનો પ્રયોગ થયો છે જેમાં ગુજરાતીની સાથે-સાથે મરાઠી, અંગ્રેજી, પારસી જેવી બોલીઓનો પણ પ્રયોગ થયો છે. એ વિશે વાત કરતાં મનોજભાઈ કહે છે, ‘આટલાં વર્ષોથી નાટકો બનાવતાં-બનાવતાં મને એવું લાગે છે કે નાટક કોઈ એક ભાષાનું નથી હોતું, કારણ કે નાટકની એક આગવી ભાષા હોય છે જે છે અનુભૂતિ. કથાઓ તો વર્ષોથી એક જ છે. અમે જે લોકોને આપી શકીએ છીએ એ છે અનુભૂતિ. જો શ્રોતા પોતાની અંદર કશું અનુભવીને જાય તો એ તમને યાદ રાખશે.’