‘તારક મહેતા કા…’ ફરી વિવાદમાં : સોનુનું પાત્ર ભજવતી પલકના નિર્માતાઓ સામે ગંભીર આરોપ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) ફરી એકવખત વિવાદોમાં છે. ક્યારેક કોઈ કલાકાર કોઈને કોઈ કારણસર લાઇમલાઇટમાં આવે છે, જેના કારણે TMKOC વિશે વાતો થવા લાગે છે. હવે અભિનેત્રી પલક સિંધવાનીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. અને કહ્યું કે તેને સેટ પર પેનિક એટેક આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ એક નોટ લખી હતી જેમાં તેણે માનસિક ઉત્પીડન અને શોષણનો આરોપ લગાવ્યો છે.

ચાર પાનાના નિવેદનમાં નવ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નિર્માતાઓએ તેમની તબિયત બગડી હોવા છતાં સેટ પર આવવા અને એપિસોડનું શૂટિંગ ચાલુ રાખવા દબાણ કર્યું હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,’સતામણીના કારણે પલક પર ખૂબ જ માનસિક દબાણ આવ્યું હતું, જેના કારણે તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને 19 સપ્ટેમ્બર, 2024ના રોજ ડોક્ટરે પલકને આરામ અને સારવાર કરવાની સલાહ આપી હતી.

જો કે, તેની તબિયત ગંભીર હોવા છતાં, પ્રોડક્શન હાઉસે તેને કોઈ રજા આપી ન હતી અને આ સિરિયલનું શૂટિંગ ચાલુ રાખવા માટે દબાણ કર્યું હતું અને તેમની સાથે અમાનવીય વર્તન કર્યું હતું જે સ્પષ્ટપણે શોષણ સમાન હતું.’

તેણે એવો પણ દાવો કર્યો કે પ્રોડક્શન હાઉસે તેની બાકી રકમ ચૂકવી નથી અને તેને કામ ચાલુ રાખવા કહ્યું છે. નિવેદન અનુસાર, ‘અત્યાર સુધી પલકને તેની બાકી રકમ ચૂકવવામાં આવી નથી, જે 21 લાખ રૂપિયાથી વધુ છે. આ દર્શાવે છે કે પ્રોડક્શન હાઉસ ઉલ્લંઘન કરી રહ્યું છે, પલક નહીં.