તાજેતરમાં જ લંડન ખાતે ‘સિટાડેલ હનીબની’નું સ્ક્રિનિંગ યોજાયું હતું. જેમાં સામંથા રુથ પ્રભુ અને પ્રિયંકા ચોપરા બંને હાજર રહ્યાં હતાં. આ ઇવેન્ટમાં તે બંને ઇટાલિયન સ્ટાર મટિલ્દા દી એન્જેલિસ સાથે ખુશખુશાલ ચહેરા સાથે જોવા મળ્યાં હતાં. આ ઇવેન્ટ ખાસ કરીને સિટાડેલનાં ઇન્ડિયન વર્ઝન ‘સિટાડેલ હનીબની’ને સેલિબ્રેટ કરવા માટે જ યોજાઈ હતી, જેમાં સામંથા સાથે વરુણ ધવન પણ લીડ રોલમાં છે.
જ્યારે મટિલ્દા તેના ઇટાલિયન વર્ઝન ‘સિટાડેલ ડાયના’માં કામ કરી રહી છે. આ ઇવેન્ટમાં દરેક કલાકારોનો ઉત્સાહ તો દેખાતો જ હતો સાથે તેમને એકબીજા સાથે કેટલું બને છે અને તેઓ એકબીજાના કામનું કેટલું સન્માન કરે છે તે પણ દેખાતું હતું.
આ ઇવેન્ટમાં સામંથા, પ્રિયંકા અને મટિલ્દા ત્રણેય ગ્લેમરસ આઉટફિટમાં હતાં, સામંથાએ નેવી બ્લૂ કલરનું સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું, જ્યારે મટિલ્દાએ શીમરી ગોલ્ડન ઓન્સોમ્બલ પહેર્યું હતું. જ્યારે પ્રિયંકાએ રેડ બૉડિકોન ડ્રેસ પહેર્યો હતો, આ આઉટફિટના કારણે તેઓ ઇવેન્ટ મુજબ વધુ ગ્લેમરસ લાગતાં હતાં. તેમની આ ઇવેન્ટની તસવીરો ઘણી વાયરલ થઈ હતી. તેના કારણે સિટાડેલ યુનિવર્સની વિવિધ સિરીઝ માટે દર્શકોનો ઉત્સાહ પણ વધી ગયો છે.
સાથે ઇવેન્ટમાં સામંથા અને પ્રિયંકા વચ્ચેની ફ્રેન્ડશિપ પણ ઉડીને આંખે વળગતી હતી. એક સિરિઝમાં કામ કરતાં હોવાથી પ્રોફેશનલી જોડાયેલાં હોવા ઉપરાંત તેઓ અંગત રીતે પણ એકબીજાથી ઘણા નજીક હોય તેવું ઇવેન્ટમાં હાજર લોકોએ અનુભવ્યું હતું. આ ઇવેન્ટમાં રુસો બ્રધર્સની ટીમ સાથે રાજ એન્ડ ડીકે પણ હાજર રહ્યાં હતાં. આ સિરીઝ 7 નવેમ્બરથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.