વાસુ ભગનાનીની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો જ થઈ રહ્યો છે. તેમનાં પ્રોડક્શનની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ નિષ્ફળ જતાં ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે પ્રોડ્ક્શન હાઉસ પર 7.30 કરોડના ચૂકવણા બાકી હોવાનો દાવો કર્યો હતો.
હવે બીજી તરફ વાસુ ભગનાનીએ નેટફ્લિક્સ પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. એક અખબાર સાથે વાત કરતા વાશુ ભગનાનીએ કહ્યું હતું કે આ ઓટીટી પ્લેટફર્મે તેમની છેલ્લી ત્રણ ફિલ્મો બાબતે તેમના અધિકારોથી વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરું ઘડ્યું છે.
આ સંદર્ભે ‘હિરો નં 1’, ‘મિશન રાણીગંજ’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ આ ત્રણ ફિલ્મોની વાત કરવામાં આવી છે. નેટફ્લિક્સના એક નિવેદન મુજબ વાસુ ભગનાનીએ જે કંપની દ્વારા નટફ્લિક્સ ભારતમાં પોતાના કંન્ટેન્ટમાં રોકાણ કરે છે એવી લોસ ગેટોસ પ્રોડક્શન સર્વિસીસ ઇન્ડિયા, ઝૂ ડિજીટલ ઇન્ડિયા તેમજ આ બંને કંપનીના કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.
નેટફ્લિક્સે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું, ‘આ દાવા બિલકુલ પાયાવિહોણા છે. ખરેખર તો પૂજા એન્ટરટેઇન્મેન્ટે નેટફ્લિક્સને પૈસા આપવાના બાકી છે. ભારતીય સર્જકો સાથે અમારો બહુ સારી ભાગીદારીનો ઇતિહાસ રહ્યો છે અને આ મુશ્કેલીનું નિરાકરણ લાવવા અમે અધિકારીઓ સાથે વાત કરી રહ્યાં છીએ.’
આટલું જ નહીં, પૂજા એન્ટરટેઇન્મેન્ટના વાસુ ભગનાની અને જેક્કી ભગનાનીએ અલી અબ્બાસ ઝફર વિરુદ્ધ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટ દરમિયાન અબુ ધાબીના વહીવટીતંત્ર પાસેથી મેળવેલી સબસિડીની રકમ ગેરકાયદેસર રીતે લઈ લેવા બાબતે પણ ફરિયાદ નોંધાવી છે. પૂજા એન્ટરટેઇન્મેન્ટે 3 સપ્ટેમ્બર 2024ના રોજ બાન્દ્રા પોલિસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે, જેના પગલે ડિરેક્ટરને પોલિસ દ્વારા ગમે ત્યારે સમન મોકલવામાં આવી શકે છે.
કેટલાંક અખબારી અહેવાલો અનુસાર, સામા પક્ષે અલી અબ્બાસ ઝફરે પણ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પલોયઝમાં ભગનાની વિરુદ્ધ 7.30કરોડના ચૂકવણા બાકી હોવાની ફરિયાદ કરી છે. તે માટે ફેડરેશને તેમની પાસે પુરાવા માંગ્યા છે.
આ સંદર્ભે પ્રોડક્શન હાઉસે જાહેર કરેલા નિવેદન મુજબ,’ દાવો કરાયેલ બાકી રકમ કાયદેસરનો દાવો નથી અને તે વિવિધ સેટ-ઓફને આધીન છે, જેમ કે BMCM ફિલ્મ્સ લિમિટેડ દ્વારા અમને જણાવવામાં આવ્યું છે. ‘