શ્રીરામનું નામ લો, હનુમાનજી તમારા દરેક કાર્ય પૂર્ણ કરશે !

શ્રીરામના નામ પર તો પત્થરો પણ તરી જાય છે બસ, સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે. શાસ્ત્રોમાં રામનામનો તારક મંત્ર તરીકે ઉલ્લેખ છે. કે જે વ્યક્તિને મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે. પણ, જ્યારે આ જ રામનામ હનુમાનજીના સાનિધ્યે બોલવામાં આવે છે ત્યારે તે જીવનની સઘળી બાધાઓથી મુક્તિ અપાવી દે છે. પવનસુત હનુમાન એટલે તો શ્રીરામના પરમ ભક્ત, શ્રીરામના સૌથી પ્રિય ભક્ત ! કહે છે કે આ રુદ્રાવતારને જગતમાં શ્રીરામથી વિશેષ કશું જ પ્રિય નથી. કારણ કે હનુમાનજીના તો હૃદયમાં વસે છે શ્રીરામ. અને તે સ્વયં દિન-રાત લે છે શ્રીરામનું નામ.

પણ, શું આપ જાણો છો કે આ રામનું નામ જ તમને પ્રાપ્ત કરાવી શકે છે હનુમાનજીની પરમ કૃપા ! એટલે કે, શ્રીરામના નામથી જ તમે મેળવી શકો છો પવનસુતની પ્રસન્નતા ! લૌકિક માન્યતામાં શ્રીરામના નામ સંબંધી આવા અનેક ઉપાયોનું વર્ણન મળે છે. ત્યારે આવો આજે એ જાણીએ કે શ્રીરામનું નામ લેવાથી કેવાં-કેવાં આશિષની પ્રાપ્તિ કરાવે છે હનુમાનજી ?

કહેવાય છે કે હનુમાનજી તો સ્વયં શ્રીરામના નામનો સતત જાપ કરે છે. કારણકે હનુમાનજી તો શ્રીરામના ભક્ત છે. કહે છે કે તમે જો હનુમાનજીની મૂર્તિની સન્મુખ બેસીને શ્રીરામચંદ્રજીનું નામ લો છો તેનાથી શ્રીરામ અને હનુમાન બંન્નેની કૃપા પ્રાપ્ત થાય છે. અને ધારેલા કામ ઝડપથી પાર પડે છે.

ઉલ્લેખનિય છે કે મંગળવાર અને શનિવારના રોજ આ પ્રયોગ કરવો જોઈએ. આ દિવસે કોઈપણ હનુમાન મંદિરમાં જઈને હનુમાન પ્રતિમાની સન્મુખ બેસવું. ત્યારબાદ 108 વખત શ્રીરામના નામનો જાપ કરવો. મંદિરમાં નામજાપ શક્ય ન હોય તો ઘરે પણ આ પ્રયોગ કરી શકાય. કહે છે કે દર મંગળવારે કે શનિવારે જો આ પ્રયોગ કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે. અને શ્રીરામના નામથી પ્રસન્ન થઈ વિવાહ આડેના સર્વ વિઘ્ન પણ દૂર કરી દે છે. આ વિશેષ પ્રયોગ અજમાવીને તમે ચોક્કસથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરી શકો છો.

( નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)