ઓક્ટોબર મહિનો શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં હિન્દુ ધર્મના અનેક મોટા અને મહત્વના તહેવારો આવનારા છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ મહિનામાં દશેરા, કરવા ચોથ અને દિવાળી જેવા મોટા તહેવારોના રંગમાં સંપૂર્ણ વાતાવરણ રંગાઈ જશે. ધાર્મિક દૃષ્ટિએ ઓક્ટોબર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. તો ચાલો જાણીએ ઓક્ટોબરમાં કુલ કેટલા તહેવારો આવશે અને કયા દિવસે તમે આ તહેવારો મનાવી શકશો.
સર્વપિતૃ અમાસ 2024 ક્યારે છે?
સર્વપિતૃ અમાસ આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે સર્વપિતૃ અમાસ 2 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે પિતૃઓને શ્રાદ્ધ કરીને વિદાય આપવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે એવા લોકોનું પણ શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમનું શ્રાદ્ધ આપણે કરવાનું ભૂલી જઈએ છીએ. વર્ષનું બીજું સૂર્યગ્રહણ પણ આ દિવસે થઈ રહ્યું છે. જોકે, તે ભારતમાં દેખાશે નહીં.
શારદીય નવરાત્રી
હિન્દુ પંચાંગમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રી આસો મહિનાની પ્રતિપદાથી શરૂ થાય છે. આ વખતે 3 ઓક્ટોબર, ગુરુવારથી શારદીય નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. આ 9 દિવસો દરમિયાન દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ 9 દિવસોમાં દેવી દુર્ગા પૃથ્વી પર આવે છે.
મહાઅષ્ટમી અને મહાનવમી ક્યારે છે?
નવરાત્રી મહાઅષ્ટમી શુક્રવાર, 11 ઓક્ટોબર અને મહાનવમી 12 ઓક્ટોબર, શનિવારે ઉજવવામાં આવશે. આ વખતે બંને તિથિઓ એક સાથે આવશે. નવરાત્રીમાં મહાઅષ્ટમી પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી દુર્ગાએ ચંડ મુંડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તો મહાનવમી પર મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસને માર્યો હતો અને આ દિવસે મા દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી માતા તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
દશેરા ક્યારે છે?
આ વખતે દશેરાનો તહેવાર 12 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. દશેરાનો તહેવાર એ અસત્ય પર સત્યની જીતનો તહેવાર છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. માનવામાં આવે છે કે દશેરા પર રાવણનો વધ કરતા પહેલા ભગવાન રામે નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરી હતી. દશેરાનો તહેવાર આસો માસના શુક્લ પક્ષની તિથિએ ઉજવવામાં આવે છે.
પાપાંકુશા એકાદશી ક્યારે છે?
13 ઓક્ટોબર, રવિવારે પાપાંકુશા એકાદશી વ્રત રાખવામાં આવશે. આસો માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ પાપંકુશા એકાદશી વ્રત કરવામાં આવે છે. પાપંકુશા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની ત્રણ પેઢીના પાપોમાંથી મુક્તિ મળે છે. તેમજ આ વ્રત કરનારને યમલોકમાં કોઈપણ પ્રકારનો ત્રાસ સહન કરવો પડતો નથી. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
પ્રદોષ વ્રત ક્યારે છે?
15 ઓક્ટોબરે પ્રદોષ વ્રત અને ફરી 29 ઓક્ટોબરે મનાવવામાં આવશે. શુક્લ પક્ષનું ભોમ પ્રદોષ વ્રત 15મી ઓક્ટોબરે અને ત્યારબાદ 29મી ઓક્ટોબરે કૃષ્ણ પક્ષનું પ્રદોષ વ્રત મનાવવામાં આવશે. આ વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે.
શરદપૂર્ણિમા ક્યારે છે?
આસો માસની પૂર્ણિમા તિથિને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ વખતે શરદ પૂર્ણિમાનું વ્રત 16 ઓક્ટોબર બુધવારે રાખવામાં આવશે. શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે ચંદ્ર 16 કળાઓમાં પૂર્ણ હોય છે. આ દિવસે તેનો પ્રકાશ ચારેય દિશામાં ફેલાય છે.
કરવા ચોથનું વ્રત ક્યારે છે?
મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ વખતે રવિવાર 20 ઓક્ટોબરે કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે. આ વ્રત રાખવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય મળવાની સાથે તેમના પતિની તમામ પરેશાનીઓ પણ દૂર થાય છે.
અહોઇ અષ્ટમી ક્યારે છે?
કારતક માસ(ઉત્તર ભારત)ના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે આહોઈ અષ્ટમી તિથિનું વ્રત કરવામાં આવે છે. માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે આ વ્રત રાખે છે. આ દિવસે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
ધનતેરસ ક્યારે છે?
આ વખતે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર મંગળવારના રોજ ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી હાથમાં અમૃતથી ભરેલા સોનાના કળશ સાથે પ્રગટ થયા હતા. આ દિવસે સોનું, ચાંદી અને વાસણોની ખરીદી શુભ માનવામાં આવે છે.
નાની દિવાળી ક્યારે છે?
કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ નાની દિવાળી ઉજવવામાં આવે છે. જેને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે હનુમાન જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ વખતે નાની દિવાળી અને હનુમાન જયંતિનો તહેવાર 30 ઓક્ટોબર, બુધવારે ઉજવવામાં આવશે.
દિવાળી 2024 ક્યારે છે?
આ વખતે દિવાળીને લઈને ઘણું કન્ફ્યુઝન છે. તમને જણાવી દઈએ કે દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. વિવિધ પંચાંગ ગણતરી મુજબ દિવાળીનો તહેવાર સર્વસંમતિથી 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ખરેખર, 1લી નવેમ્બર અને 31મી ઓક્ટોબરને લઈને મૂંઝવણ છે. પરંતુ કેલેન્ડર મુજબ દિવાળી 31મી ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)