માત્ર સાઉથ જ નહી સમગ્ર ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા રજનીકાંતની સોમવારે રાત્રે અચાનક તબિયત લથડી હતી. જે બાદ તેને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચેન્નાઈ પોલીસના જણાવ્યા અનુસાર પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત સ્થિર ગણાવાઈ રહી છે.હોસ્પિટલના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે રજનીકાંતની હાલત સ્થિર છે.
રજનીકાંત અને અમિતાભ બચ્ચનની ફિલ્મ વેટ્ટૈયનનું ટ્રેલર 2 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મ 10 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મના મેકર્સે હાલમાં જ રજનીકાંતનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ વેટ્ટૈયનમાં રજનીકાંત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટના રોલમાં જોવા મળશે, જ્યારે અમિતાભ બચ્ચનનું પાત્ર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની સામે છે. આ ફિલ્મની બધા ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર બંને દિગ્ગજ કલાકારોની જોરદાર એક્ટિંગ જોવાનો મોકો મળશે.
પદ્મ પુરસ્કારથી સન્માનિત
ભારત સરકારે રજનીકાંતને તેમને આપેલા પ્રદાન ની કદર કરીને વર્ષ 2000માં પદ્મ ભૂષણ અને તે પહેલા 2016માં પદ્મ વિભૂષણથી સન્માનિત કયર્િ છે. આ સિવાય તેમને ભારતીય સિનેમામાં શ્રેષ્ઠતા માટે શેવેલિયર શિવાજી ગણેશન પુરસ્કાર મળ્યો છે. 45મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2014માં તેમને ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ માટે શતાબ્દી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન થયું છે
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2019ની 50મી આવૃત્તિમાં તેમને આઈકોન ઓફ ગ્લોબલ જ્યુબિલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા . તમિલ સિનેમાના ઈતિહાસમાં એમજી રામચંદ્રન પછી તે બીજા સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા છે. તેમને 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સિનેમા ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રજનીકાંતની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. લોકો જલ્દી તેમના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.