તૃપ્તિ ડિમરી જયપુર ન પહોંચી શકી એટલે મહિલાઓની સંસ્થા ભડકી

૧૧ ઑક્ટોબરે તૃપ્તિ ડિમરીની ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ ફિલ્મ રિલીઝ થવાની છે. આ વર્ષે ‘બૅડ ન્યુઝ’ બાદ તેની આ બીજી ફિલ્મ છે. રિપોર્ટ અનુસાર ફિલ્મના પ્રમોશન સાથે જોડાયેલી ઍક્ટિવિટીઝના ભાગરૂપે તૃપ્તિ જયપુરમાં FICCI FLO (ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી લેડીઝ ઑર્ગેનાઇઝેશન)ના કાર્યક્રમમાં જવાની હતી. સાડાપાંચ લાખ રૂપિયા લઈ લીધા હોવા છતાં તૃપ્તિ ડિમરી આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ન આવી.

પોદારે કહ્યું હતું કે તૃપ્તિની ટીમે તેમના બદલે રાજકુમાર રાવને ઇવેન્ટમાં લાવવાની વાત કરી, જેના કારણે FICCI FLOની મહિલાઓનું અપમાન થયું છે. આમ થવાના કારણે સોશ્યલ મીડિયા પર સામે આવેલા વિડિયો મુજબ તૃપ્તિના પોસ્ટર પર કાળી શાહી લગાવીને એક મહિલા તેનો વિરોધ કરી રહી છે. મહિલા કહી રહી છે કે તેની ફિલ્મોને બૉયકૉટ કરવી જોઈએ, તે સેલિબ્રિટી કહેવડાવવાને લાયક નથી.

તૃપ્તિ ડિમરી તરફથી આ મુદ્દા ઉપર જવાબ આવ્યો છે. તેના પ્રવક્તાએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ‘ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ના પ્રમોશન સાથે જોડાયેલી દરેક ઇવેન્ટ અને પ્રમોશનલ કૅમ્પેનનો ભાગ તૃપ્તિ બની રહી છે. તે પોતાની પ્રોફેશનલ ડ્યુટી જાણે છે. અમે એ ક્લિયર કરવા માગીએ છીએ કે તૃપ્તિએ કોઈ પણ પ્રકારની પર્સનલ ઇવેન્ટ્સમાં ભાગ નથી લીધો. તે માત્ર ફિલ્મના પ્રમોશન સાથે જોડાયેલી ઇવેન્ટ્સને જ કમિટેડ છે. અમે અન્ય કોઈ ફીઝ નથી લીધી. તેમને એવી કોઈ ઇવેન્ટ સાથે લેવાદેવા નથી.’

હવે મારે ધ્યાન રાખવું પડે છે : તૃપ્તિ ડિમરી
સંદીપ રેડ્ડી વાંગાની ‘ઍનિમલ’ બાદ તૃપ્તિ ડિમરીની લોકપ્રિયતા ખૂબ વધી છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તૃપ્તિએ તેના વધેલા ફૅનબેઝના કારણે તેની રૂટીન લાઇફને કેવી અસર થઈ એ વિશે વાત કરી હતી. તેણે હસતાં-હસતાં જણાવ્યું હતું કે ‘ઍનિમલ’ની રિલીઝ પહેલાં હું શાકભાજી લેવા જઈ શકતી હતી. તૃપ્તિએ કહ્યું હતું, ‘લોકપ્રિયતા કોને નથી જોઈતી? પણ મને મારી સ્વતંત્રતા પણ ખૂબ વહાલી છે. લૉન્ગ વૉક પર જવું મને ગમે છે. બીજી કોઈ ચિંતા કર્યા વિના મિત્રો સાથે ફરવું મને પસંદ છે. પણ હવે બાબતો બદલાઈ છે. સ્વતંત્રતા ચાલી ગઈ હોય એવું લાગે છે હવે.’
તૃપ્તિ ડિમરી પોતાના એ જૂના સમયને યાદ કરે છે જ્યારે તે એકલી રહેતી. તેણે કાર્ટર રોડ પર ફરવાના અને બેફિકર થઈને બહાર ખાઈપી શકતી એ દિવસો યાદ કર્યા હતા, જે કરવાની હવે તેની પાસે સ્વતંત્રતા નથી. તૃપ્તિએ કહ્યું હતું, ‘મારે હવે ધ્યાન રાખવું પડે છે. એટલે આ બાબતોને હું બહુ યાદ કરું છું. આ સિવાય બાકી બધું સારું છે.’