વો ગિરી ઔર ચલ પડી

ગોવિંદાને મંગળવારે તેના જ ઘરમાં અકસ્માતે પગમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ તેને ક્રિટિકૅર હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો અને સર્જરી કરાઈ હતી. ગઈ કાલે તેને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ગોવિંદાએ કહ્યું હતું કે ‘હું સાજો થઈ જાઉં એ માટે અનેક લોકોએ પ્રાર્થના કરી, પૂજા કરી, દુઆ માગી તે બધા જ લોકોનો, મીડિયાનો, પોલીસનો અને મારા પ્રશંસકોનો ખૂબ-ખૂબ આભાર.

આપની કૃપા અને આશીર્વાદને લીધે હું સેફ છું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ મારા ખબરઅંતર પૂછ્યા એથી તેમનો ખૂબ-ખૂબ આભાર.’
ફાયરિંગની ઘટના વિશે માહિતી આપતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘એ દિવસે સવારે મારે એક શો માટે કલકત્તા જવાનું હતું. સવારના પોણાપાંચ વાગ્યા હતા. એે વખતે મારા હાથમાંથી ગન છૂટીને નીચે પડી હતી અને એમાંથી ગોળી છૂટી હતી. વો ગિરી ઔર ચલ પડી. શરૂઆતમાં મને ઝટકો લાગ્યા જેવું લાગ્યું, વાંકા વળીને જોયું તો લોહીનો ફુવારો છૂટ્યો હતો. બીજા કોઈને આમાં સંડોવવા ન જોઈએ. હું મારા ફૅમિલી ડૉક્ટર રમેશ અગ્રવાલની મદદથી ક્રિટિકૅર હૉસ્પિટલમાં દાખલ થઈ ગયો.’

એ દિવસે કલકતા જતાં પહેલાં પોતાનો કબાટ સહેજ ગોઠવવા જતાં ગોવિંદા સાથે આ ઘટના બની હતી. જોકે તેની ગનનું લૉક પણ તૂટી ગયું હતું જેના કારણે ગન નીચે પડતાં જ એમાંથી ગોળી છૂટી હોવાનું તેણે જણાવ્યું હતું. ગન લોડેડ હતી, એમાં છ ગોળી હતી અને એક ગોળી મિસફાયર થઈ તેને વાગી હતી.

ડૉક્ટરે શું કહ્યું?

ક્રિટિકૅર હૉસ્પિટલના ડૉ. રમેશ અગ્રવાલે કહ્યું હતું કે ‘ગોવિંદાએ ત્રણથી ૪ અઠવાડિયાં આરામ કરવો પડશે અને સાથે જ એક્સરસાઇઝ અને ફિઝિયોથેરપી પણ કરવી પડશે. હવે તેની તબિયત સારી છે. તે હંમેશ પ્રમાણે ઉત્સાહમાં છે. તે ખોરાક પણ બરાબર લઈ રહ્યો છે અને ઉપચારને સારો પ્રતિભાવ આપી રહ્યો છે.’

મારો પતિ સાજો થઈને ઘરે આવી રહ્યો છે, એના કરતાં વધુ સારું શું હોઈ શકે: સુનીતા આહુજા

ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ કહ્યું હતું કે ‘મારો પતિ સાજો થઈને ઘરે આવી રહ્યો છે, એના કરતાં વધુ સારું શું હોઈ શકે. હવે તેની તબિયત પણ સારી છે. થોડા જ દિવસોમાં નાચવા-ગાવાનું પાછું ચાલુ થઈ જશે. બધાના આશીર્વાદ છે, માતા રાણીના આશીર્વાદ છે. બધી જગ્યાએ પૂજા-પ્રાર્થના થઈ રહી હતી. બધાની દુઆથી તે એકદમ ઠીક છે અને બહુ જ જલદી તે કામ ફરી શરૂ કરી દેશે.’