ઘરે જ બનાવી લો કાજુ કતરી, ફેસ્ટિવ સિઝનમાં મહેમાનો થઈ જશે ખુશ; જાણો સરળ રેસીપી

કાજુ કતરી (કાજુ બરફી) રેસીપી: ભારતમાં કાજુ કતરી ખૂબ જ સ્વાદિષ્ટ અને પ્રિય મીઠાઈ છે. ત્યારે આગામી સમયમાં દિવાળી (Diwali 2024) નો તહેવાર આવી રહ્યો છે. બજારમાં આ મીઠાઈ ઘણી મોંઘી મળે છે. ત્યારે જો આજે અમે તમને ઘરે જ કાજુ કતરી બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જાણો.

કાજુ કતરી બનાવવા માટેની સામગ્રી

  • એક કપ કાજુ
  • અડધો કપ ખાંડ
  • ગ્રીસિંગ માટે ઘી
  • 1/4 એલચી પાવડર
  • ચાંદીનો વરખ

કાજુ કતરી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક કપ કાજુને મિક્સરમાં નાખીને તેનો ઝીણો પાવડર બનાવી લો.
  • હવે એક પેનને ધીમી આંચ પર મૂકો.
  • તેમાં પાણી અને ખાંડ ઉમેરીને ઉકાળો.
  • ખાંડ ઓગળે ત્યાં સુધી પાણી અને ખાંડને હલાવતા રહો.
  • ખાંડ ઓગળી જાય, ત્યારે મિશ્રણને ઘટ્ટ અને ચીકણું બને ત્યાં સુધી ઉકાળી લો.
  • હવે આંચ ઓછી કરીને આ મિશ્રણમાં કાજુ પાવડર અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.
  • આ મિશ્રણને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે એક મોટો ગઠ્ઠો બનવાનું શરૂ ન કરે. તે લગભગ 7 મિનિટ લેશે.
  • ગેસ બંધ કરીને 3 થી 4 મિનિટ માટે ઠંડુ થવા દો.
  • જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને હાથથી થોડું ભેળવી દો જેથી તે નરમ થઈ જાય.
  • જો મિશ્રણ ખૂબ સૂકું થઈ જાય તો દૂધના થોડા ટીપાં નાખીને મસળી લો.
  • હવે એક પ્લેટની પાછળ ઘી લગાવીને ગ્રીસ કરો.
  • તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલી સપાટી પર મૂકો.
  • ઘી લગાવીને રોલિંગ પિનને ગ્રીસ કરો.
  • મિશ્રણને રોલિંગ પિન વડે રોલ કરો.
  • હવે તેને છરીની મદદથી ચોરસ ટુકડામાં કાપી લો.
  • ત્રણથી ચાર મિનિટ ઠંડુ થવા દો.
  • ટુકડાઓને અલગ કરીને તેને ચાંદીના વરખથી સજાવી શકો છો.
  • કાજુ કતરી તૈયાર છે.