અમરોહીનો સિનેમાસ્કોપ ફોર્મેટનો આગ્રહ અને ફિલ્મ પ્રોડક્શનમાં ડીલે

ગત સપ્તાહમાં આપણે પાકીઝાની વાત કરી હતી. આ ફિલ્મની શરૂઆત મીના કુમારી અને કમાલ અમરોહીના પ્રેમથી લઇને અણબનાવની વાત કરી હતી. હવે આ ફિલ્મના ટેક્નિકલ પાસાં ઉપર નજર કરીએ.

અમરોહીને ફિલ્મ બનાવવામાં સમય લાગી રહ્યો હતો, પણ જેમ જેમ સમય જતો હતો એમ એમ અમરોહી ફિલ્મની વાર્તામાં અને એના પ્રોડક્શનમાં પણ પોતાની રીતે બદલાવ લાવી રહ્યા હતા. તેઓ વાર્તાને વર્ષો જતાં નવા સમય અનુસાર એંગલ આપીને ઢાળી રહ્યા હતા એટલે દર્શકોને એ જૂની ન લાગે.

પાકીઝા શરૂ થઇ એ વખતે સલીમનો રોલ દાદામુની એટલે કે અશોક કુમારને સોંપવામાં આવ્યો હતો, પણ બાદમાં અમરોહીને લાગ્યું કે એ રોલ કોઇ વધારે યુવાન કલાકારને આપવો જોઇએ એટલે અશોક કુમારને શહાબુદ્દીનનો રોલ ઓફર થયો અને સલીમ માટે નવી શોધખોળ શરૂ થઇ. અમરોહી ખુદ સલીમનો રોલ કરવા માંગતા હતા, પણ શૂટિંગ અને એક્ટિંગ સાથે કરવું સરળ નહોતું. અમરોહીને બીજા ઉપર ભરોસો ન હોવાથી એ વિચાર પડતો મુકાયો હતો. અંતે સલીમનો રોલ રાજ કુમારને ઓફર થયો. રાજ કુમારને સાઇન કર્યા બાદ એમની પર્સનાલિટીને અનુરૂપ એમને ફોરેસ્ટ ઓફિસર બતાવવામાં આવ્યા.

પાકીઝાનું શૂટિંગ શરૂ થયું ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટનો યુગ ચાલતો હતો. એટલે સ્વભાવિકપણે જ શૂટિંગ બ્લેક એન્ડ વ્હાઇટમાં જ થયું હોય. ફિલ્મનું ઘણું ખરું શૂટિંગ બ્લેક એન્ડ વ્હાઇટમાં થઇ ગયું હતું. ઇનફેક્ટ આ ફિલ્મનું આઇકોનિક ગીત ઇન્હી લોગોંને પણ બ્લેક એન્ડ વ્હાઇટમાં જ શૂટ થયું હતું. એ પછી કલર ફોર્મેટ ટ્રેન્ડમાં આવી ગયું. અમરોહી કહે કલર ફોર્મેટ ટ્રેન્ડમાં આવ્યું છે તો આ ફિલ્મને પણ કલરમાં જ શૂટ કરવી જોઇએ. ઘણાએ અમરોહીને ના કહી, પણ તેઓ ટસના મસ ન થયા. તેઓ કે. આસીફના મિત્ર હતા. ફિલ્મની ક્વોલિટી બાબતે કોઇ જ કોમ્પ્રોમાઇઝ માટે તૈયાર નહોતા, એટલે જ જર્મન સિનેમેટોગ્રાફર જોસેફ વિર્સિંગ સાથે ઘણા ખરા સીન શૂટ થઇ ગયા હોવા છતાં ફિલ્મ કલરમાં ફરીથી શૂટ કરવાનું નક્કી કર્યું હતું.

ભારતમાં પહેલીવાર કાગઝ કે ફૂલને જે સિનેમાસ્કોપ ફોર્મેટમાં બનાવી હતી એ જ ફોર્મેટમાં અમરોહી કલરફુલ પાકીઝા બનાવવા માંગતા હતા. સિનેમાસ્કોપમાં શૂટ કરવા માટે અમરોહીએ એમ. જી. એમ. સ્ટુડિયોમાંથી કેમેરો પણ રેન્ટ ઉપર લઇ લીધો હતો, પણ નસીબ એટલાં વાંકાં કે એ કેમેરાનો લેન્સ ખરાબ હતો. લેન્સ ખરાબ હોવાને કારણે ફરી પ્રોડક્શનમાં ડીલે થયું. પાકીઝા તવાયફના જીવન ઉપર બનેલી ફિલ્મ હતી એટલે જ અમરોહી બહુ ફૂંકી ફૂંકીને પગલાં ભરતા હતા. એ પોતાની ફિલ્મમાં વલ્ગર એંગલ એક પણ જગ્યાએ ન આવે એનું ખાસ ધ્યાન રાખતા હતા. ફિલ્મના પ્રોડક્શનમાં જેમ જેમ ડીલે થતું ગયું એમ એમ અમરોહી વાર્તામાં પણ ફેરફાર કરતા જતા હતા.

આ ફિલ્મનો સેટ અમરોહીએ પોતે ડિઝાઇન કર્યો હતો. સેટ પણ એવો જ ડિઝાઇન થયો હતો જેમાં સંપૂર્ણ કોઠાની ફીલ ન આવે. કહેવાય છે કે પાકીઝાના લેવિશ સેટ પાછળ અઢળક રૂપિયા ખર્ચાયા હતા. આ ભંડોળ એકઠું કરવામાં પણ સમય લાગતો જતો હતો. 1969માં ખય્યામ અને સુનીલ દત્તનાં મનામણાં પછી મીના કુમારીએ ફિલ્મ પૂરી કરવાનું નક્કી તો કર્યું, પણ એમની તબિયત એટલી ખરાબ હતી કે શૂટ કરવામાં બહુ જ સમસ્યા આવી રહી હતી. તમે કદાચ ધારીને ફિલ્મ જોશો તો અંદાજ આવી જશે. તબિયત બગડ્યા પછી એક પણ દૂરના સીન મીના કુમારીએ નહોતા આપ્યા. મીનાના દૂરના ડાન્સ સીન્સ માટે એક્ટ્રેસ પદ્મા ખન્નાને લેવામાં આવ્યાં હતાં. એમને 1968માં લીવર સોરાઇસીસની સમસ્યા થઇ હતી, એટલે શરીર કથળી ગયું હતું. એ સરખી રીતે ઊભા પણ નહોતાં રહી શકતાં. સીન શૂટ કરતાં કરતાં લોહીની ઊલટી થઇ જતી અને સેટ લોહીલુહાણ થઇ જતો હતો.

ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થયું ત્યારે સિનેમેટોગ્રાફર જોસેફ નહોતા રહ્યા, તેઓ હાર્ટએટેકથી ગુજરી ગયા હતા. જ્યારે ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર ગુલામ મહોમ્મદ પણ 1968માં ગુજરી ગયા હતા. એમના મૃત્યુ પછી મ્યુઝિક પૂરું કરવા નૌશાદ સાહેબને કહેવામાં આવ્યું અને એમણે એ બીડું ઝડપ્યું હતું.