`બીઈંગ જ્હોન માલ્કોવીચ’. આજની ફિલ્મનું નામ છે અને આવું વિચિત્ર અને નોન-ઈંગ્લિશ ઓડિયન્સને યાદ રાખવા માટે સહેજ અઘરું લાગે એવું નામ વાંચીને એવું થઇ શકે કે સલમાન ખાનની બ્રાન્ડ બીઈંગ હ્યુમન વિશે સાંભળેલું, પણ આ બીઈંગ જ્હોન માલ્કોવીચ શું છે?
જ્હોન માલ્કોવીચ એક અમેરિકન એક્ટરનું નામ છે અને બીઈંગ જ્હોન માલ્કોવીચ 1999માં આવેલી ક્લાસિક અમેરિકન અંગ્રેજી ફિલ્મ છે.
આ એવી ફિલ્મ છે કે જેના વિશે તે સમયે એવું કહેવાયું હતું કે આવી ફિલ્મ કદાચ બીજી વખત ક્યારેય જોવા નહિ મળે. આજની તારીખ સુધી આ વાત સાચી પડી છે. બીઈંગ જ્હોન માલ્કોવીચ ઓરિજિનાલિટીથી ફાટફાટ થતી ક્રિએટિવિટીનો ઉત્તમ નમૂનો છે.
બહુ બધી ફિલ્મોમાં ને નાટકોમાં આપણા દિમાગને ક્ષણવાર લકવો મારી જાય એવા અદ્ભુત આઈડિયાઝ જોયા છે. નવોનકોર વિચાર એટલો આકર્ષક હોય કે દર્શકો મંત્રમુગ્ધ થયા વિના રહે નહિ. એક નાનકડા આઈડિયાની નોવેલ્ટી માટે આખી ફિલ્મ જોવી પડે, પરંતુ મોટા ભાગની કૃતિઓમાં એવું થતું હોય છે કે જે તે વિચારનું નાવીન્ય પહેલો અડધો કલાક કે વધી વધીને ઈન્ટરવલ સુધી જ જળવાતું હોય છે. પછી તો તે કૃતિ રીતસરની ખેંચાતી હોય એવું લાગે. જેમ કે, જેમ્સ કેમેરોનની ફિલ્મ `અવતાર’ બધાએ જોયેલી છે અને દસ ફૂટના બ્લૂ રંગના માણસોનો વિચાર મનોરંજક હતો, પણ ઈન્ટરવલ પછી તો કુદરત વિરુદ્ધ માણસનો પ્રેડિક્ટેબલ મુકાબલો શરૂ થઇ ગયેલો. આવી બહુ બધી કૃતિઓમાં સર્જનાત્મકતાના ચમકારા શરૂઆતથી અંત સુધી જોવા મળતા હોતા નથી. આ હિસાબે `બીઈંગ જ્હોન માલ્કોવીચ’ અદ્ભુત ચમત્કૃતિ છે.
ચાર્લી કોફમેન. આ અમેરિકન લેખકની ફિલ્મોગ્રાફી (આજ સુધી કરેલી ફિલ્મોનું લિસ્ટ) આંગળીના વેઢે ગણાય એટલું છે, પણ તેની દરેક ફિલ્મમાં સ્પાર્ક હોય છે. આ જ લેખકની એક ફિલ્મ જે સિનેરસિકોની ઓલ ટાઈમ ફેવરિટ બની ગઈ છે તે ટાઈટેનિકવાળી હિરોઈન અને જીમ કેરીને લઇને બનાવેલી `ઈન્ટર્નલ સનશાઈન ઓફ અ સ્પોટલેસ માઈન્ડ’ વિશે આ જ કોલમમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એકબીજાના મગજમાંથી કડવી યાદો ભૂંસી નાખવાનો પ્લોટ એ ફિલ્મમાં હતો. એવું લાગે કે આ પ્લોટ `બીઈંગ જ્હોન માલ્કોવીચ’ના આઈડિયાનું પાંચમું બાળક છે!
તમે `2012′ ફિલ્મમાં જેને જોયો હશે તે હીરો જ્હોન કુસેક અહીં લીડ રોલમાં છે, જેનું નામ છે ક્રેગ શ્વાટર્ઝ. તે એક પપેટીઅર એટલે કે કઠપૂતળીનો ખેલ કરનાર કલાકાર છે. થોડો ગરીબ છે, તેની પપેટ્રીની કળાની ખાસ નોંધ લેવાતી નથી અને નાછૂટકે તેની પ્રાણીઓને વધુ પ્રેમ કરતી ટિપિકલ હાઉસવાઈફ ટાઈપ ગૃહિણીના આગ્રહથી એક નોકરી માટે અરજી કરે છે, કારણ કે તેને નોકરીની ભરતી માટે ઝડપથી આંગળીઓ ચલાવતા માણસની જરૂર છે. તે ઇન્ટરવ્યૂ માટે જાય છે તો જુએ છે કે આ કંપની સાડા સાતમા માળે આવેલી છે. હા, સાતમા અને આઠમા માળની વચ્ચે સાડા સાતમા માળે! તે માળની છત નીચી છે એટલે બધાએ ઝૂકી ઝૂકીને ચાલવું પડે છે. અહીં એને એક તીખી અને આખાબોલી કલીગ મળે છે, જેનું નામ છે મેક્સીન. મેક્સીન ક્રેગને બહુ ભાવ આપતી નથી અને ક્રેગની પત્ની લોટી તો ઘરસંસાર કરતાં વધુ પ્રાણીસંસારમાં પડી છે.
એક દિવસ સાડા સાતમા માળે આવેલી `પિગ્મી-ઓફિસમાં’ ક્રેગ એક નાનકડો દરવાજો શોધી કાઢે છે. એ દરવાજાની અંદર એક લાંબું અને અંધારું બોગદું છે. હિંમત કરીને ક્રેગ એમાં ઘૂસ્યો તો નીચે પડતો પડતો એ સીધો પહોંચ્યો જ્હોન માલ્કોવીચ નામના રીયલ લાઈફ સેલિબ્રિટીના દિમાગમાં! ક્રેગ હવે માલ્કોવીચની આંખોથી બધું જોઈ શકે છે એટલું જ નહિ એ ખુદ માલ્કોવીચ છે એવી અનુભૂતિ કરી શકે છે. બરાબર પંદર મિનિટ પછી ક્રેગ ન્યૂ જર્સીના આકાશમાંથી એક ઉકરડામાં પડે છે. એને સમજાયું કે પંદર મિનિટ સુધી તે પેલા બોગદામાં પ્રવેશીને ખુદ જ્હોન માલ્કોવીચ બની શકે છે. તેને ખાસ ભાવ ન આપતી કલીગ મેક્સીન અને ક્રેગ આ ડિસ્કવરીને બિઝનેસમાં ફેરવે છે અને જેને જેને પંદર મિનિટ માટે માલ્કોવીચ બનવું હોય તેની પાસેથી બસો ડોલર્સ ફીઝ વસૂલ કરે છે.
ઉપરના બે ફકરામાં ફિલ્મના કન્સેપ્ટનો અછડતો ચિતાર મળે છે, અસલી વાર્તા તો જ્યારે ક્રેગની પત્ની વાર્તાના સેન્ટરમાં આવે છે ત્યારથી શરૂ થાય છે. ક્રેગની અંદરનો પપેટીઅર જાગે છે અને માલ્કોવીચને કંટ્રોલ કરવા જાય છે. એક વખત તો ખુદ અસલી માલ્કોવીચને એ ખબર પડતાં તે ખુદ પોતાની અંદર ઘૂસે છે! એ સીન તો ફેન્ટેસી-કોમેડી સિનેમાના ઈતિહાસમાં વિશિષ્ટ અને યાદગાર કહેવાય.
`બીઈંગ જ્હોન માલ્કોવીચ’ ફક્ત એટલા માટે અદ્ભુત ફિલ્મ નથી કે આવા ક્રિએટિવ આઈડિયાની આસપાસ આ ફિલ્મની વાર્તા આકાર લે છે. તે એટલા માટે ક્લાસિક ગણાય છે કે આ આઈડિયાને બેસ્ટ ટ્રીટમેન્ટ મળી છે. ગોડફાધર જીવી ટાઈમલેસ ફિલ્મ બનાવનાર ફ્રાન્સીસ ફોર્ડ કોપાલાના એ વખતના જમાઈ સ્પાઈક જોન્ઝે આ ફિલ્મને સાયન્સ ફિક્શન કે સરરીયલ-અતિ વાસ્તવવાદી કે ફેન્ટેસીનું સ્વરૂપ આપ્યા વગર એકદમ સહજપણે આ વાર્તાની સરભરા કરી. નહીંતર ડાયરેક્ટર થોડો પણ દોઢડાહ્યો હોય તો આટલો સરસ આઈડિયા વેડફાતા વાર ન લાગે અને ફિલ્મ ખૂબ લાઉડ બને, લાંબી બને. જ્યારે પોણા બે કલાકમાં પહેલેથી છેલ્લે સુધી આ ફિલ્મ સર્જનાત્મકતાના ચમકારા આપ્યે જ રાખે છે.
અસ્તિત્વવાદની થિયરીને કેટલી હળવી રીતે અહીં રજૂ કરાઈ છે. બીજાની જિંદગી જીવવાનો મોકો મળે તો? બીજાની જિંદગીની ચંદ ક્ષણો પૂરતી જીવીને પોતાની વાસ્તવિક જિંદગીમાં કેટલા અંશે બદલાવ આવે? પ્રેમ અને સેક્સ, લાગણી અને ઘૃણા, બીજા કોઈની ચામડી એક વખત ઓઢ્યા પછી બદલાઈ જાય? બીજા કોઈની અંદર હોઈએ ત્યારે આપણો પાર્ટનર કોને પ્રેમ કરે? જે દેખાય છે એ શરીરને કે એની અંદર રહેલા બીજા વ્યક્તિના આત્માને કે બંનેના કોમ્બિનેશનને? ખાસ તો થર્ડ પાર્ટીની નજરથી પોતાની અંદર ડોકિયું કરવા મળે તો દુનિયા કેવી થાય? જલદી મગજમાંથી ન નીકળે અને આવાં અનેક સપનાઓ રૂપી સવાલો પેદા કરી શકે એને જ ક્લાસિક કૃતિ કહેવાતી હશે. શું કહેવું, વિરાટવાચકો કે બીઈંગ વિરાટવાચકો?