મજાક બનેલી આલિયા ભટ્ટ પાસેથી સફળતાની બારખડી શીખવા જેવી છે!

એક વખત હતો કે સોશિયલ મીડિયામાં સૌથી વધુ મીમ્સ અને જોક્સ આલિયા ભટ્ટના નામે ફરતા હતા. આલિયાની ઠેકડી ઉડાવવામાં કોઈએ પણ તક જતી ન કરી હતી. એના બાપનું નામ ભલે મહેશ ભટ્ટ હોય, પણ આલિયાએ તેની ઓળખ એટલી મોટી કરી નાખી છે કે આજે મહેશ ભટ્ટની ઓળખ આલિયાને આભારી થઈ ગઈ છે.

આલિયાના બાપ તરીકે મહેશ ભટ્ટ ઓળખાવા લાગ્યા છે અને આ જ તેની સૌથી મોટી સફળતા છે.

2012ના વરસમાં કરણ જોહરે સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મમાં આલિયા ભટ્ટને લીડ રોલમાં પસંદ કરવાનું કારણ મહેશ ભટ્ટની દીકરી હોઈ શકે, પણ આલિયાએ તેની સફરને સફળ પોતાના કૌવત પર બનાવી છે. આલિયા પ્રેઝન્ટલી બોક્સઓફિસ રૂલર એક્ટ્રેસ છે એમ કહીએ તો પણ ખોટું નથી. આલિયાને ફિલ્મ મેળવવા માટે ભલે સંઘર્ષ ન કરવો પડ્યો હોય, પણ વારંવાર પોતાની જાતને સાબિત કરવા મથામણ કરવી પડી છે. એક ટોક શોમાં સામાન્ય જ્ઞાનની બાબતમાં આલિયાએ ભૂલભરેલા જવાબો આપ્યા અને ત્યારપછી ટ્રોલર્સ તેની પાછળ પડી ગયા હતા, પરંતુ આલિયા આ બધી વાતોને અવગણીને કઠોર બનવા લાગી. એક વખત આલિયાને ટિખળ કરવા એક દેશના પ્રધાનમંત્રી કોણ છે એ પૂછ્યું ત્યારે તેનો વળતો પ્રહાર કરતાં પ્રશ્ન પૂછનારને કહ્યું કે તમને આફ્રિકાના પ્રધાનમંત્રી કોણ છે એ ખબર છે? એ દિવસથી આલિયા સામે ખોટા પ્રશ્નો કરવાની સ્ટુડન્ટ ઓફ ધ યર પછી ઈમ્તિયાઝ અલીએ આલિયાના નામે આખી ફિલ્મ બનાવી નાખી. રોમ કોમ ગર્લથી ફિલ્મમાં એન્ટ્રી કરનાર આલિયાએ બીજી ફિલ્મથી પાવરફુલ એક્ટિંગનો સિક્કો લગાવી દીધો. ઈમ્તિયાઝ અલીની હાઈવે બોક્સઓફિસ પર ભલે જોઈએ એવી સ્પીડે ન દોડી, પણ આલિયાની કરિયરને બૂસ્ટર ડોઝ આપી દીધો અને બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સનો ફિલ્મફેર એવોર્ડ પણ પોતાના નામે કરી લીધો. હાઈવે પછી વધુ બે રોમેન્ટિક ફિલ્મો આવી. અર્જુન કપૂર સાથે ટુ સ્ટેટ્સ અને વરુણ ધવન સાથે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા. બંને હિટ થઈ. શાહિદ કપૂર સાથેની શાનદાર ફિલ્મ બોક્સોફિસ પર ભપકાદાર સાબિત ન થઈ અને આલિયાની કરિયરમાં ફ્લોપનો મોટો ધબ્બો લખાયો. ફેમિલી ડ્રામા કપૂર એન્ડ સન્સ એવરેજ રહી, પણ અભિષેક ચૌબે સાથેની ઊડતા પંજાબ આલિયાને ખૂબ ફળી. આ ફિલ્મે આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો.

દિગ્દર્શક મેઘના ગુલઝારે 2018માં સ્પાય થ્રિલર રાઝી ફિલ્મ બનાવી. સ્પાય યુનિવર્સ કોન્સેપ્ટ અત્યારે હિટ છે, પણ હિરોઈનના ખભા પર આવી ફિલ્મ બનાવવાનું સાહસ મેઘના ગુલઝાર જ કરી શકે. આલિયાનું બ્રિલિયન્ટ પર્ફોર્મન્સ, ભવાની ઐયરનો સુપર્બ સક્રીનપ્લે, મેઘનાનું બલ્કોબસ્ટ ડિરેક્શનનું કોમ્બિનેશન રાઝી માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાબિત થયું. આલિયાના નામે વધુ એક બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ લખાયો. રાઝીની ઉપર મ્યુઝિકલ ડ્રામા ગલ્લી બોય ફિલ્મની સુપર સક્સેસ આલિયાની શાખમાં વધારો કરનારી સાબિત થઈ. ગલ્લી બોયમાં પણ આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો, પણ મેગા બજેટ કલંક ફિલ્મ બોક્સઓફિસ પર આલિયા માટે કલંક સાબિત થઈ.

કલંકના કકળાટ પછી બીજો હથોડો સડક 2નો પડ્યો. આલિયાએ બેક ટુ બેક બે ફ્લોપ ફિલ્મો આપી. આલિયાની ફિલ્મોગ્રાફીમાં ફ્લોપ ફિલ્મોની સંખ્યા ખૂબ ઓછી છે, પણ સડક 2 અને કલંક મોસ્ટ ડિઝાસ્ટર ફિલ્મોમાં આવે એવી છે. આ ફ્લોપ ટ્રેકમાં આલિયાને ગંગુબાઈ કાઠિયાવાડીનો ફરીથી હિટનો ઓન ટ્રેક મળી ગયો. સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ ફિલ્મમાં આલિયાનું પાત્ર હિટ થયું. 2022નું વરસ આલિયા માટે આંતરાષ્ટ્રીય ખ્યાતિવાળું રહ્યું. તેલુગુ ફિલ્મ ટ્રિપલ આરમાં નાનો પણ લીડિંગ લેડીનો રોલ તેનો હતો અને ફર્સ્ટ ટાઈમ ઓસ્કરના મંચ પર ભારતીય ફિલ્મનાં વધામણાં થયાં હતાં. રણબીર કપૂર સાથેની બ્રહ્માસ્ત્ર બોક્સઓફિસ પર રેકોર્ડ બ્રેકિંગ હિટ રહી અને ઓટીટી બ્લેક કોમેડી ફિલ્મ ડાર્લિંગ ક્રિટિકલી સુપરહિટ રહી. ગંગુબાઈ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો અને ફિલ્મફેર ઓટીટી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ડાર્લિંગ્સ માટે મળ્યો. ગંગુબાઈના પાત્ર માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો, જે તેની સૌથી મોટી એચીવમેન્ટ સાબિત થઈ. 2022નું વર્ષ આલિયાની કરિયરનું ગોલ્ડન યર બની ગયું.

રણવીર સિંહ સાથે ગયા વરસે રોમેન્ટિક કોમેડી ફેમિલી ડ્રામા રોકી ઔર રાની કી પ્રેમકહાની ફિલ્મ એવરેજ હિટ રહી, પણ બેસ્ટ એક્ટ્રેસનો તાજ આલિયાના નામે જ રહ્યો. આલિયાને 2023માં હોલિવૂડ ડેબ્યૂ કરવાની તક મળી. ગેલ ગેડોટ સાથે સ્પાય એક્શન થ્રિલર હાર્ટ ઓફ સ્ટોનમાં આલિયાએ ભૂમિકા ભજવી હતી. સૌથી વધુ બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મફેર એવોર્ડ મેળવનાર અભિનેત્રીમાં પહેલું નામ આલિયા ભટ્ટનુ છે. પાંચ એવોર્ડ તેના નામે બોલે છે.