થિયેટરના કલાકારો પાસેથી અભિનય શીખી છું : ધ્વનિ

પોપ સ્ટાર્સમાં ધ્વનિ ભાનુશાલીનો ભારે દબદબો રહ્યો છે. તેમનાં ઘણાં બધાં ગીતો સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે. અલબત્ત, યુ-ટ્યૂબમાં પણ તેમનાં ગીતો તેમના ફેન્સ સતત સાંભળતાં હોય છે. હવે તેઓ સંગીતની દુનિયા પાર કરીને એક્ટિંગની દુનિયામાં હાથ અજમાવી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં જ તેમણે ફિલ્મ `કહાં શુરૂ કહાં ખતમ’ થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું.

આ ફિલ્મમાં તેમની સાથે આશિમ ગુલાટીએ સ્ક્રીન શેર કર્યો હતો. આ ફિલ્મ લક્ષ્‍મણ ઉટેકર અને ઋષિ વિરમાનીએ લખી છે તેમજ ફિલ્મનું નિર્દેશન સૌરભ દાસગુપ્તાએ કર્યું છે. જોકે, આ ફિલ્મ જોઇએ તેટલી સફળતા પામી નથી તેમ છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેમની એક્ટિંગનાં વખાણ કરી રહ્યા છે. અલબત્ત, તેમની એક્ટિંગથી તેમને અન્ય ફિલ્મમેકર્સ તરફથી ફિલ્મ મળવાના સો ટકા ચાન્સીસ છે તેમ સ્પષ્ટ જણાઇ રહ્યું છે.

તમે સિંગર છો અને હવે એક્ટ્રેસ પણ છો! તો હવેની તમારી સફર શું રહેશે?

હા, હવે હું સિંગરની સાથે એક્ટ્રેસ પણ બની ગઇ છું, જેની ખુશી દ્વિગુણી છે. સાચું કહું તો મારી સફરની શરૂઆત હવે થઇ રહી છે. અલબત્ત, સિંગિગની સાથે એક્ટિંગની સફર પણ અવિરત ચાલતી રહે એવું હું મનોમન ઇચ્છી રહું છું. જોકે, હું એક વાત અહીં સ્પષ્ટ કરવા માંગું છું કે, મારા માટે સિંગિગ અને એક્ટિંગ બંને અલગ અલગ છે. મ્યુઝિક વીડિયોથી અલગ તરી આવતી મારી આ પહેલી જ ફિલ્મ છે. જો મારા માટેની આ સફરને મારા ફેન્સ જાણવા માંગતા હોય તો એકદમ શોર્ટકટમાં તમને કહીશ. મને આ સફરને સમજવા અથવા તો એમ કહો કે મીરાંને શોધવામાં ખૂબ જ મજા આવી. મેં મારી જાતને સંપૂર્ણ રીતે નિર્દેશક સૌરભને સરેન્ડર કરી દીધી હતી. મને એક્ટિંગ પ્રત્યેની અલગ જ ચાહત જાગી હોવાથી સૌથી પહેલાં તો મેં થિયેટર કર્યું હતું. એક્ટિંગમાં સૌથી મહત્ત્વ થિયેટરનું હોય છે એ ભૂલવું ન જોઇએ! મેં અંદાજે 2 મહિના પહેલાં એસડીએમ કોલેજના કલાકારો સાથે થોડો સમય પણ વિતાવ્યો હતો. તેમના થિયેટરનું નામ `નાગમંડલ’ છે. જે રીતે તેઓ પર્ફોર્મ કરે છે, તે જોઇને મને એક્ટિંગ પર વધુ ને વધુ પ્રેમ ઊભરાઇ આવ્યો છે એમ કહેવું ખોટું નથી.

ફિલ્મમાં નિભાવેલું તમારું કેરેક્ટર તમારી રિયલ લાઇફ સાથે કનેક્ટેડ છે ખરું?

મારી ફિલ્મમાં હું એટલે કે મીરાં દુલ્હનના ઘરેથી ભાગી જાય છે, કારણ કે મીરાંના પપ્પાએ તેને લગ્ન વિશે પૂછ્યું જ નહોતું! આ થઇ ફિલ્મની વાત, પરંતુ રિયલ લાઇફમાં જો મારી સાથે આવું જ કંઇક થાય છે તો પણ હું ઘરેથી ભાગી જ જવાનું પસંદ કરું. જુઓ, હું હવે ઉંમરના એ પડાવ પર છું જ્યાં હું મારી રાય આપી શકું છું, તેથી જે ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે એવું હું મારી રિયલ લાઇફમાં પણ કરી જ શકું છું.

ધ્વનિ ભાનુશાલીના નામે સોંગનો રેકોર્ડ

ખૂબ જ ટૂંકા ગાળામાં સિંગિગની દુનિયામાં ધ્વનિ ભાનુશાલીએ નામ કમાવી લીધું છે તેમાં કોઇ બેમત નથી. ઓલમોસ્ટ તેમનાં બધાં જ ગીતો હિટ સાબિત થયાં છે. અલબત્ત, આજે પણ તેમનાં ગીતો પર સોશિયલ મીડિયા યૂઝર્સ રીલ્સ અને શોર્ટ્સ વીડિયો બનાવતા હોય છે. ધ્વનિ ભાનુશાલીના નામે સોંગ્સના અનેક રેકોર્ડ પણ નોંધાયેલા છે. વર્ષ 2019માં ટી-સીરિઝે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં ધ્વનિ ભાનુશાલીની તસવીરની સાથે તેમનાં બે સોંગ 1. લે જા રે અને 2. વાસ્તે પોસ્ટ કર્યાં હતાં. જેમના યુ-ટ્યૂબ વ્યૂઝ એક અરબ કરતાં પણ વધુ ક્રોસ થયા હતા. આજે પણ આ આંકડામાં ક્રમશઃ વધારો થઇ રહ્યો છે. નોંધનીય છે કે, વાસ્તે સોંગ યુ-ટ્યૂબ પર સૌથી વધુ પસંદ કરવામાં આવેલો મ્યુઝિક વીડિયો છે. સાથે સાથે મ્યુઝિક વીડિયોના ગ્લોબલ ટોપ 100 લિસ્ટમાં પણ તે સામેલ છે. આ સોંગ આશ્ચર્ય સાથે બે જ વર્ષમાં એક બિલિયન કરતાં પણ વધુ વાર જોવામાં આવ્યું છે. ધ્વનિ ભાનુશાલીની પોતાની એક યુ-ટ્યૂબ ચેનલ છે, જેના અંદાજે 3.36 મિલિયન કરતાં પણ વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

ધ્વનિ ભાનુશાલીનાં સૌથી ફેવરિટ સોંગ્સ કયાં કયાં છે?

આમ તો ધ્વનિ ભાનુશાલીનાં તમામ સોંગ્સ હિટ છે, પરંતુ તેમનાં ટોપ હિટ્સ સોંગ્સમાં અગાઉ જણાવ્યું તેમ સોંગ `વાસ્તે’ અને `લેજા રે’ ટોપ ઉપર છે. જ્યારે અન્ય સોંગ્સમાં સોંગ `ઇશારે તેરે’નો સમાવેશ થાય છે. આ ગીત તેમણે ગુરુ રંધાવા સાથે ગાયું હતું. ત્યારબાદ `બેબી ગર્લ’ નામનું સોંગ ખૂબ જ હિટ સાબિત થયું હતું. આ તમામ ગીતોને બાદ કરતાં ફિલ્મ `સાહો’નું ગીત ખૂબ જ વાઇરલ થયું હતું. આ ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર હતાં. ગીતનું નામ `સાઇકો સૈયા’ હતું. વધુમાં તેમણે ફિલ્મ `સત્યમેવ જયતે’ માટે ગાયેલું ગીત `દિલબર-દિલબર’ ભારતભરમાં ફેમસ થયું હતું. અલબત્ત, આ ગીત પર અઢળક રીલ્સ અને શોર્ટ્સ ઉપરાંત વીડિયો પણ બનતા હતા. આ ગીતે પણ યૂ-ટ્યુબ પર રેકોર્ડ બનાવેલો છે.