શ્રાવણમાં કરેલું શિવપૂજન અક્ષય ફળ આપનારું બનાવો

  • આ વર્ષે શ્રાવણ માસ સોમવારે શરૂ થશે અને સોમવારે જ પૂરો થશે. શ્રાવણમાં પાંચ સોમવાર છે અને 9 યોગ પણ રચાશે

ભગવાન શિવજી કહે છે કે બધા જ વર્ષના મહિનાઓમાં મને શ્રાવણ માસ અતિ પ્રિય છે. શ્રાવણ માસમાં કરેલ મારું પૂજન અક્ષય ફળ આપનારું બને છે. આ વર્ષે ભગવાન શિવજીની કૃપાથી શ્રાવણ માસની શરૂઆત 72 વર્ષો બાદ સોમવારે થશે.

તેમજ સોમવારના પવિત્ર દિવસે શ્રાવણ માસ પૂર્ણ થશે.

એકંદરે દસ વર્ષ પછી જ્યોતિષશાસ્ત્રના કથન અનુસાર આ વર્ષે શ્રાવણ માસમાં 9 યોગ રચાશે. જે 9 યોગ અમૃતસિદ્ધિયોગ, પ્રીતિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ, બુધાદિત્ય યોગ, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, શશંક યોગ વગેરે યોગોનું નિર્માણ ગ્રહો દ્વારા શ્રાવણ માસ અંતર્ગત થશે.

તદુપરાંત આ વર્ષે પાંચ સોમવારનો લાભ પણ શિવભક્તિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમિયાન કોઇ વિદ્વાન જ્યોતિષના કથન અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવું, ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવો તેમજ શિવપૂજા કરવી શ્રેષ્ઠ ગણાય. શ્રાવણ માસ દરમિયાન શિવ મહાપુરાણ કથા કરાવવી અથવા શ્રવણ કરવું તેમજ શિવ પંચાક્ષર સ્તોત્ર કરવો. તેમજ શિવજીની ભક્તિ તેમજ ભજન કરવું અતિ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેનાથી ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. શ્રી મહામૃત્યુંજય મંત્ર, શિવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્રના જાપ કરવા.

જ્યોતિષશાસ્ત્ર અંતર્ગત 12 રાશિઓ પ્રમાણે આ વર્ષે વિવિધ પ્રકારના લાભ મળશે.

મેષ (અ.લ.ઇ.) : મેષ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક કરાવવાથી તેમજ ॥ૐ મહેશ્વરાય નમઃ ॥ મંત્રની 7 માળા રુદ્રાક્ષની માળા પર કરીને રુદ્રાષ્ટાધ્યાયી (શુક્લ યજુર્વેદીય અંતર્ગત) દ્વારા ભગવાન શિવનો યજ્ઞ કરવાથી કુબેર સમાન ધનની પ્રાપ્તિ થાય છે.

વૃષભ (બ.વ.ઉ.) : વૃષભ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન શિવ પંચાક્ષર ॥ૐ નમઃ શિવાય॥ મંત્ર દ્વારા યજ્ઞ કરવાથી ધનલાભ મળી શકશે.

મિથુન (ક.છ.ધ.) : મિથુન રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ॥ૐ રુદ્રાય નમઃ॥ મંત્રની રુદ્રાક્ષની માળા વડે 11 માળા કરવી. તેમજ શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવો.

કર્ક (ડ.હ.) : કર્ક રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ॥ૐ શ્રી સાજબસદાશિવાય નમ:॥ મંત્રની રુદ્રાક્ષની માળા વડે 7 માળા કરવી તેમજ રુદ્રયાગ યજ્ઞ કરવાથી ઘરમાં સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.

સિંહ (મ.ટ.) : સિંહ રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ॥ૐ શર્વાય નમઃ॥ મંત્રની રુદ્રાક્ષની માળા પર ૫ માળા કરીને શ્રાવણ માસના સોમવારે તે મંત્ર દ્વારા યજ્ઞ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

કન્યા (પ.ઠ.ણ.) : કન્યા રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ॥ૐ પશુપતયે નમઃ॥ મંત્રની રુદ્રાક્ષની માળા વડે 7 માળા કરીને રુદ્રાષ્ટકમ્ના મંત્રથી શિવ યજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિઓના જીવનમાં યશ તેમજ કીર્તિ ખૂબ જ વધે છે.

તુલા (ર.ત.) : તુલા રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ॥ૐ મહાદેવાય નમ:॥ મંત્રની રુદ્રાક્ષની માળા વડે પાંચ માળા કરીને શિવાષ્ટકમ્ સ્તોત્ર દ્વારા શિવ યજ્ઞ કરવાથી જીવનમાંથી કષ્ટ, દુ:ખ અને સંતાપ નાશ પામે છે.

વૃશ્ચિક (ન.ય.) : વૃશ્ચિક રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ॥ૐ શૂલપાણયૈ નમ:॥ મંત્રની નિત્ય સાત માળા રુદ્રાક્ષ પર કરીને શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો જીવનમાં વ્યાવસાયિક પ્રગતિ જોવા મળે છે.

ધન (ધ.ફ.ભ.ઢ.) : ધન રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમ્યાન ॥ૐ ભીમાયૈ નમઃ॥ મંત્રની નિત્ય ત્રણ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને વેદસારશિવસ્તવઃ આ સ્તોત્રમ્ દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો તે વ્યક્તિ ભગવાન શિવની અતિ પ્રિય ભક્ત બને છે.

મકર (ખ.જ.) : મકર રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમ્યાન ॥ૐ ઇશાનાય નમઃ॥ મંત્રની નિત્ય પાંચ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને શ્રી દક્ષિણામૂર્તી સ્તોત્રમ્ દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિઓના જીવનમાં રોગમાંથી મુક્તિ મળે છે.

કુંભ (ગ.સ.) : કુંભ રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ॥ૐ ભવાયૈ નમ:॥ મંત્રની નિત્ય ત્રણ રુદ્રાક્ષની માળા વડે માળા કરીને શ્રી શિવ ષડક્ષર સ્તોત્રમ્ દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિઓના જીવનમાંથી ઋણ(દેવું) નો નાશ થાય છે.

મીન (દ.ચ.ઝ.થ.) : મીન રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન ॥ૐ અઘોરાય નમઃ॥ મંત્રની નિત્ય નવ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને શ્રી રુદ્રસુક્ત દ્વારા શિવ યજ્ઞ કરવાથી સમસ્ત પાપ તથા તાપનો નાશ થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)