વિરાટ કોહલી ટેસ્ટમાં 53 રન બનાવતા જ સચિન, દ્રવિડ અને ગાવસ્કરના ક્લબમાં થઇ જશે સામેલ

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ છેલ્લી કેટલીક મેચોથી શાંત છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં કોહલી પાસેથી ફેન્સને મોટા સ્કોરની અપેક્ષા છે. વિરાટ ત્રણેય ફોર્મેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. છેલ્લી આઠ ઇનિંગ્સમાં તેના બેટમાંથી માત્ર એક અડધી સદી આવી છે. તેને 2023માં દક્ષિણ આફ્રિકા સામે લગાવી હતી.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 ઓકટોબરથી શરૂ થનારી પ્રથમ મેચમાં વિરાટ કોહલી પાસે નવ હજાર રન પૂરા કરવાની તક હશે.

વિરાટ 9000 રનના લક્ષ્‍યાંકથી થોડો દૂર

વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં 9,000 રન બનાવનાર બેટ્સમેન બનવાની ખૂબ નજીક છે. વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ સામે 16 ઓક્ટોબરથી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં નવ હજાર રન પૂરા કરવા માટે 53 રનની જરૂર છે. જો તે આમ કરવામાં સફળ થશે તો તે ટેસ્ટમાં નવ હજારથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બની જશે. સચિન, દ્રવિડ અને સુનીલ ગાવસ્કરે આ સિદ્ધિ મેળવી છે. તે ટેસ્ટમાં નવ હજાર કે તેથી વધુ રન બનાવનાર 18મો બેટ્સમેન પણ બની જશે.

વિરાટનું ટેસ્ટ કરિયર

વિરાટ કોહલીએ અત્યાર સુધી તેની ટેસ્ટ કારકિર્દીમાં 115 મેચ રમી છે અને 8947 રન બનાવ્યા છે, જેમાં 29 સદી અને સાત બેવડી સદી સામેલ છે. તેને 9000 રનનો લક્ષ્‍ય પાર કરવા માટે 53 રનની જરૂર છે. તેણે 30 અડધી સદી પણ ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 254 છે. ભારત ત્રણ મેચની હોમ ટેસ્ટ શ્રેણી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પડકારજનક પ્રવાસ માટે તૈયાર છે. આવી સ્થિતિમાં વિરાટનો અનુભવ અને ટીમ માટે તેનું સમર્પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

વિરાટ અંગે ગંભીરનું નિવેદન

ન્યુઝીલેન્ડ સામેની સીરીઝની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યું હતું કે તેની રનની ભૂખ પહેલા જેવી જ છે અને એક દાયકાથી વધુ સમય બાદ પણ તે સતત પ્રદર્શન કરી રહ્યો છે. બેટથી તેની રન બનાવવાની ઈચ્છા ઓછી થઈ નથી.