પુરાણો અનુસાર જ્યારે દેવી સતીએ યોગશક્તિથી પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો તેના પહેલાં માતા સતીએ મહાદેવને દરેક જન્મમાં પતિ રૂપમાં મેળવવાનું વ્રત લીધું હતું. દેવી સતીએ પોતાના બીજા જન્મમાં પાર્વતીના રૂપમાં જન્મ લીધો હતો. તેમણે શ્રાવણ માસમાં કઠોર વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા.
ત્યારબાદ શિવજીને શ્રાવણ માસ પ્રિય થઈ ગયો એવું પણ કહેવાય છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવે સમુદ્રમંથનમાંથી નીકળેલા હળાહળ વિષને શ્રાવણ માસમાં જ ગ્રહણ કર્યું હતું. માતા પાર્વતીજીની જેમ કોઈ ભક્ત શ્રાવણ માસમાં શિવજીનું પૂજન અને અભિષેક કરે તો તેઓ જલદી રીઝે છે. તેમાંય જો પોતાની રાશિ પ્રમાણે પૂજન કે અભિષેક કરવામાં આવે તો પુણ્યફળ અનેકગણું વધી જાય છે.
મેષ
શ્રાવણ માસમાં દરરોજ બીલીપત્ર પર લાલ ચંદનથી `નમ: શિવાય।’ લખો. આ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર જળાભિષેક કરો. ત્યારબાદ બીલીપત્ર શિવલિંગ પર અર્પણ કરો.
વૃષભ
સૌ પ્રથમ શિવલિંગ પર ગંગાજળ અને દહીંથી અભિષેક કરો. ત્યારબાદ કાચું દૂધ ચઢાવો. પછી જળની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગના મંત્રોનું ઉચ્ચારણ કરો અને શિવલિંગ પર સફેદ ચંદનથી તિલક કરો.
મિથુન
શ્રાવણ માસ દરમિયાન દરરોજ `ૐ નમ: શિવાય।’ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર ગંગાજળમાં મધ મેળવીને અભિષેક કરો. ત્યારબાદ બીલીપત્ર અર્પણ કરો.
કર્ક
ગંગાજળ, દૂધ તથા મિસરી મેળવીને શિવલિંગ પર `ૐ ચંદ્ર મૌલેશ્વરાય નમ:।’ મંત્રનો જાપ કરતાં કરતાં અભિષેક કરો. ત્યારબાદ કરેણનું પુષ્પ શિવલિંગ પર અર્પણ કરો.
સિંહ
શ્રદ્ધાનુસાર શુદ્ધ દેશી ઘીથી `ૐ અનંતાય નમ:।’ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. ત્યારબાદ ગંગાજળ કે દૂધથી અભિષેક કરો.
કન્યા
દૂધ, ઘી, અને મધ મેળવીને `ૐ ત્રિમૂર્તિતેય નમ:।’ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. ત્યારબાદ શિવજીને પુષ્પ અને બીલીપત્ર અર્પણ કરો.
તુલા
શ્રાવણ માસના દર સોમવારે દહીં અને શેરડીના રસથી શિવલિંગ પર `ૐ શ્રી કંઠાય નમ:।’ મંત્રનો જાપ કરતાં કરતાં અભિષેક કરો. આ સિવાય દરરોજ જળાભિષેક કરો.
વૃશ્ચિક
ગંગાજળમાં દૂધ તથા સાકર મેળવીને `ૐ નમ: શિવાય કાલં મહાકાલ કાલં કૃપાલં ૐ નમ:।’ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. પછી પુષ્પ અને બીલીપત્ર અર્પણ કરો.
ધન
ગંગાજળ, કાચું દૂધ તથા કેસરને મેળવીને `ૐ મહેશ્વરાય નમ:।’ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. દર સોમવારે ઉપરોક્ત મંત્રનો 108 વાર જાપ કરવો.
મકર
બદામના તેલથી `ૐ સર્વભૂતહરાય નમ:।’ મંત્રનો જાપ કરતાં કરતાં અભિષેક કરો. ત્યારબાદ ગંગાજળ કે દૂધથી શિવલિંગ પર અભિષેક કરી અને બીલીપત્ર અર્પણ કરો.
કુંભ
ઘી, મધ અને સાકરને મેળવીને `ૐ અવ્યક્તાય નમ:। મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. ત્યારબાદ જળાભિષેક કરો અને ચંદનનું તિલક કરો.
મીન
કાચું દૂધ, કેસર અને તીર્થજળને મેળવીને `ૐ સર્વલોક પ્રજાપતયે નમ:।’ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. ત્યારબાદ બીલીપત્ર અર્પણ કરો.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)