‘One Direction’ના સિંગર Liam Payneનું નિધન, હૉટેલના ત્રીજે માળેથી પડ્યો પૉપ ગાયક

પૉપ બેન્ડ `વન ડાયરેક્શન` (One Direction)ના ભૂતપૂર્વ સ્ટાર લિયામ પેને (Liam Payne)ના ચાહકો માટે દુઃખદ સમાચાર આવ્યા છે. ગાયકનું ૩૧ વર્ષની વયે અવસાન (Liam Payne Death) થયું છે. મળતી માહિતી મુજબ, બ્યુનોસ આયર્સ (Buenos Aires) ની એક હૉટેલના ત્રીજા માળેથી પડી જવાથી લિયામ પેનેનું મોત થયું હતું. સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી હતી કે, આ ઘટના પાલેર્મો (Palermo)માં કોસ્ટા રિકા સ્ટ્રીટ (Costa Rica Street) પરની એક હોટલમાં બની હતી.

આ સમાચારે સિંગર ચાહકોનું દિલ તોડી નાખ્યું છે. પરિવાર અને નજીકના મિત્રો પણ આ માહિતીથી ચોંકી ગયા છે.

લિયામ પેનેના નિધન અંગે બ્યુનોસ આયર્સ પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન 14Bના ડેપ્યુટીઓને બુધવારે બપોરે 911 કૉલ આવ્યો હતો કે કોઈ વ્યક્તિ ડ્રગ્સ અને શરાબના નશામાં તરબળ છે. જે પછી પોલીસ હૉટેલ પહોંચી હતી. પરંતુ પોલીસ નિવેદનમાં તે વ્યક્તિની ઓળખ પેને તરીકે થઈ નથી.

આ ઘટના 16 ઓક્ટોબર, 2024 ના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે બની હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, લિયામ પેને તે દિવસે હૉટેલની લોબીમાં અલગ વર્તન કરી રહ્યો હતો.

લિયામ પેને તેના ભૂતપૂર્વ `વન ડાયરેક્શન` બેન્ડમેટ નિઆલ હોરાન (Niall Horan)ના કોન્સર્ટમાં હાજરી આપવા માટે આર્જેન્ટિના (Argentina)માં હતો. બંને ફરી સાથે સ્ટેજ પર આવ્યા. ગાયકે ભૂતકાળમાં ડ્રગ વ્યસન અને માનસિક સ્વાસ્થ્ય સાથેના તેના સંઘર્ષ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે બાલ્કનીમાંથી અકસ્માતે પડી ગયો હતો કે પછી તે નશામાં હતો!

પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે `સંગીતકાર અને ગિટારવાદક લિયામ જેમ્સ પેને, બેન્ડ `વન ડાયરેક્શન`ના ભૂતપૂર્વ સભ્યનું આજે હૉટેલના ત્રીજા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું.`

મૃત્યુના એક કલાક પહેલા લિયામ સ્નેપચેટ (Snapchat) પર ફોટા અને વીડિયો પોસ્ટ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ સામે આવી છે, જે તે હૉટેલના રૂમની છે જ્યાં લિયામ રોકાયો હતો. ત્યાં ઘણો સામાન તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના ચાહકોએ ગાયકની હત્યાનો દાવો કર્યો છે.

લિયામ પેને હેરી સ્ટાઇલ, ઝૈન મલિક, લુઇસ ટોમલિન્સન અને નિઆલ હોરન સાથે પ્રખ્યાત બોયબેન્ડ `વન ડાયરેક્શન` રચના કરી. આ બેન્ડના કારણે લિયામને ઈન્ટરનેશનલ લેવલ પર ઘણી ખ્યાતિ મળી. લિયામ પેને તેના ગીતો `કિસ યુ`, `મેજિક`, `પરફેક્ટ` અને `ફોર યુ` માટે જાણીતો છે.

લિયામ પેનેના અવસાનથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ચાર્લી પુથ, પેરિસ હિલ્ટન અને જેડવર્ડ જેવી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

પૉપ ગાયકના પરિવારમાં તેની ભૂતપૂર્વ પાર્ટનર ચેરીલ અને છ વર્ષનો દીકરો ગ્રે પેને છે.