‘આદિ શંકરાચાર્ય’ પર એક વેબ-સિરીઝ બની છે જે પહેલી નવેમ્બરથી આર્ટ ઑફ લિવિંગ ઍપ પર ઉપલબ્ધ થશે. આ વેબ-સિરીઝ ભારતના વૈદિક વિદ્વાન અને તત્ત્વચિંતક આદિ શંકરાચાર્યના પ્રારંભિક જીવનનું ચિત્રણ રજૂ કરશે. ખૂબ નાની વયે તેમણે આખા ભારતનો પ્રવાસ કર્યો હતો અને દેશમાં આધ્યાત્મિક સિદ્ધાંતો અને પરંપરાઓને પુનઃજીવિત કરી હતી.
આ વેબ-સિરીઝની પહેલી સીઝનમાં ૧૦ એપિસોડ રહેશે અને એમાં આદિ શંકરાચાર્યના જીવનનાં પહેલાં આઠ વર્ષને સમાવી લેવામાં આવશે.
આ વેબ-સિરીઝનું નિર્માણ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની ધ આર્ટ ઑફ લિવિંગ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેલર-લૉન્ચ વખતે હાજરી આપતાં તેમણે કહ્યું હતું કે ‘સમય-સમય પર જ્ઞાનને પુનર્જીવિત કરવાની જરૂર છે. આદિ શંકરાચાર્યે જ્ઞાનને પુનર્જીવિત કર્યું હતું. તેઓ ભક્તિ, જ્ઞાન અને ક્રિયાઓને સાથે લાવ્યા હતા. તેમનો સંદેશ હતો, જીવન દુખી નથી; એ આનંદમય છે.’
ભારતના સાંસ્કૃતિક પુનર્જીવનના આર્કિટેક્ટ
શ્રી શ્રી પબ્લિકેશન્સના ટ્રસ્ટી નકુલ ધવને કહ્યું હતું કે આદિ શંકરાચાર્ય ભારતીય ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે, પણ તેમના જીવન વિશે વિગતવાર માહિતી કોઈ જાણતું નથી. તેમનું જીવન ઘણું ઓછું પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અનેક ઘટનાઓથી ભરેલું હતું. તેમણે આખા દેશનો પ્રવાસ પગપાળા કર્યો હતો અને ચારે દિશામાં તેઓ પહોંચ્યા હતા. તેમણે દેશના સાંસ્કૃતિક માળખાને એકીકૃત કર્યું હતું. તેમણે શરૂ કરેલી પરંપરાઓ અને સંસ્થાઓ આજ સુધી ટકી રહી છે અને એ ફૂલીફાલી રહી છે. તેઓ ભારતના સાંસ્કૃતિક પુનર્જીવનના આર્કિટેક્ટ છે.
દેશને સંગઠિત કર્યો
આ પ્રોજેક્ટ વિશે વાતચીત કરતાં ડિરેક્ટર ઓમકાર નાથ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘આ સિરીઝ મહાન આદિ શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ છે જેમની પ્રતિભા, જ્ઞાન અને આધ્યાત્મિક શક્તિએ રાષ્ટ્રને આકાર આપ્યો હતો. એ સમય એવો હતો જ્યારે ભારત ૩૦૦થી વધુ રાજ્યોમાં વિભાજિત હતું અને એવામાં આદિ શંકરાચાર્ય આખા દેશમાં ફર્યા અને સનાતન ધર્મના નેજા હેઠળ તેમણે દેશને સંગઠિત કર્યો. ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પુનર્જીવનમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. અમે તેમની આ વાતને નવા જમાનાના ઑડિયન્સ સામે એ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાનો પ્રયાસ કરીશું.’