કંગના રનૌતે સંસદમાં ભડકેલી જયા બચ્ચનને ટોણો માર્યો, કહ્યું- ‘પતિનું નામ સાંભળતા તેમને પેનિક એટેક આવે છે’

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર ભાજપ તરફથી ચૂંટાઈને લોકસભા પહોંચેલી બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લા કેટલાક દિવસથી પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં છે. અત્યારે કંગના રનૌત પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’ને પ્રમોટ કરવામાં કોઈ કસર નથી છોડી રહી. સોશિયલ મીડિયાથી માંડીને ઈન્ટર્વ્યૂમાં કંગના પોતાની ફિલ્મને લઈને પોતાનો પક્ષ રાખી રહી છે.

તાજેતરમાં જ કંગના રનૌતે એક યુટ્યૂબ ચેનલને ઈન્ટર્વ્યૂ આપ્યો હતો. જેમાં પોતાની ફિલ્મ બાબતે વાત કરતા-કરતાં અભિનેત્રીએ રાજ્યસભા સાંસદ જયા બચ્ચનને પણ ટોણો માર્યો હતો.

થોડા દિવસ અગાઉ સંસદમાં જયા બચ્ચનને તેમના પતિના નામે સંબોધિત કરવામાં આવ્યા હતા. આ સમયે જયા બચ્ચને વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, શું મહિલાને તેના પતિના નામ વિના ના બોલાવી શકાય. આ બાબતે ઈન્ટર્વ્યૂમાં કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે.

પોતાના જવાબમાં કંગનાએ જણાવ્યું કે, આ ખૂબ જ શરમની વાત છે. આજકાલ ફેમિનિઝમના નામે કેટલીક મહિલાઓ અવળા માર્ગે જતાં અચકાતી નથી. આપણો સમાજ પણ તે દિશામાં જ જઈ રહ્યો છે, જ્યાં તેમણે અહંકારનો ત્યાગ નથી કર્યો. લોકોને એવું લાગે છે કે, મારી ઓળખ ક્યાંક ખોવાઈ ગઈ છે અને તેમને પેનિક એટેક આવી જાય છે. લોકો એટલા ડરી ગયા છે, પરંતુ આ કેટલું ખોટું છે. અભિનેત્રીએ પત્નીને પતિના નામે સંબોધિત કરવા પર કોઈ પણ પ્રકારની નારાજગી વ્યક્ત નથી કરી.

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે બૉલિવૂડની અનેક હસ્તીઓ સામે શિંગડા ભેરવી ચૂકી છે. જેમાં કરણ જૌહરનું નામ સૌથી ઉપર છે. આ ઉપરાંત જયા બચ્ચનના ‘શોલે’ ફિલ્મના ડાયલૉગ બાદ કંગનાએ તેમને વળતો જવાબ આપ્યો હતો. જે બાદ બન્ને વચ્ચેના સબંધો તંગ બન્યા છે. એવામાં વધુ એક વખત આગામી 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલી પોતાની ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને આપેલા ઈન્ટર્વ્યૂમાં જયા બચ્ચનને જડબાતોડ જવાબ આપ્યો છે.