શનિવારની સાંજે હિન્દી ફિલ્મજગતની આઇકૉનિક ફિલ્મ ‘શોલે’નું મુંબઈમાં મોટા પડદે પુનરાગમન થયું. ૧૯૭૫ની ૧૫ ઑગસ્ટે રિલીઝ થયેલી ‘શોલે’ને ૪૯ વર્ષ પૂરાં થયાં છે ત્યારે આ ફિલ્મની લેખક બેલડી સલીમ-જાવેદના શાશ્વત વારસાને સેલિબ્રેટ કરવા ‘શોલે’નું વન-ટાઇમ સ્પેશ્યલ સ્ક્રીનિંગ કોલાબાના રીગલ થિયેટરમાં રાખવામાં આવ્યું હતું.
સોશ્યલ મીડિયા પર આ સ્ક્રીનિંગની આગોતરી જાણકારી આપવામાં આવી હતી, જેને પગલે આ શો એકદમ પૅક ગયો હતો.
આ શોમાં સલીમ ખાન અને જાવેદ અખ્તરે પણ હાજરી આપીને ‘શોલે’પ્રેમીઓને જલસો કરાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે સલીમ-જાવેદ વિશેની એક ડૉક્યુ-સિરીઝ હાલમાં જ પ્રાઇમ વિડિયો પર આવી છે; જેમાં તેમના જીવન અને કારકિર્દી વિશેની વાતો, ઇન્ટરવ્યુ વગેરેનો સમાવેશ છે.