જ્યારે મેગી ખાવાની વાત આવે છે, ત્યારે કોઈ તેને ખાવાની ના પાડતું નથી. મેગી ભલે ઈન્ડિયન ફૂડ (Indian Food) ન હોય પરંતુ તે આપણા દરેકના ઘરમાં ફેવરિટ રેસિપી બની ગઈ છે. ખાસ કરીને બાળકો મેગીને ખૂબ જ પસંદ કરે છે. આજકાલ મેગીની ઘણી વેરાયટીઓ બજારમાં મળવા લાગી છે. દરેક વેરાયટીનો પોતાનો અલગ સ્વાદ હોય છે. અમે તમને એવી જ એક વેરાયટી પંજાબી તડકા મેગીની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ.
તેને બનાવીને તમે નવી વેરાયટીનો સ્વાદ માણી શકો છો.
સામગ્રી
- 2 પેકેટ મેગી
- 1/4 કપ ડુંગળી સમારેલી
- 1/4 કપ ટામેટાં સમારેલા
- 1/4 કપ કેપ્સીકમ સમારેલા
- 1/4 કપ લીલા વટાણા
- 1/4 કપ ગાજર ટુકડામાં કાપેલા
- 1/2 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર
- 2-3 સૂકા લાલ મરચાં
- 1 ચમચી લસણ ઝીણું સમારેલું
- 1 ચમચી બટર
પંજાબી તડકા મેગી બનાવવાની રીત
- પંજાબી તડકા મેગી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સીકમ, વટાણા અને ગાજર ઉમેરો. આ શાકભાજીને સહેજ નરમ થાય ત્યાં સુધી પકાવો.
- હવે તેમાં મેગી મસાલો, ગરમ મસાલો અને થોડું મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- જ્યારે આ મસાલો પાકી જાય ત્યારે તેમાં 2 કપ પાણી ઉમેરો. મસાલા અને પાણીને એકસાથે ઉકાળો અને તેમાં મેગી નૂડલ્સ નાખીને ઢાંકણ ઢાંકીને થોડીવાર ચઢવા દો.
- મેગી બફાઈ જાય એટલે બીજી પેન ગરમ કરો અને તેમાં બટર નાખો.
- બટર ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને સૂકું લાલ મરચું ઉમેરો.
- જ્યારે તે તડતડ થવા લાગે, ત્યારે તેમાં કાશ્મીરી મરચાંનો પાવડર ઉમેરો અને બધી વસ્તુને બરાબર મિક્સ કરો, પછી તેને આંચ પરથી ઉતારી લો.
- તમારી ગરમા-ગરમ પંજાબી તડકા મેગી સર્વ કરવા માટે તૈયાર છે.