બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા જે આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે, તે તેના અભિનય કરતાં તેની વાતોને લઈ વધુ ચર્ચામાં રહે છે. જો કે તેના ચાહકોને પણ તેની સ્ટાઈલ ખુબ પસંદ આવે છે.
અભિનેત્રી નેહા ધૂપિયાનો જન્મ 27 ઓગસ્ટ 1980ના રોજ કોચીમાં થયો હતો. આજે તેમના જન્મદિવસ પર અમે તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે વાત કરીશું. તેમજ તેના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે વાત કરીશું.
એક ભારતીય અભિનેત્રી, મૉડલ છે. તેમણે વર્ષ 2002માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને મિસ યુનિવર્સ 2002માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે અનેક ફિલ્મ પ્રોડક્શન્સમાં કામ કર્યું છે અને અનેક રિયાલિટી શોમાં જોવા મળી ચૂકી છે.
આજે નેહા ધૂપિયાનો જન્મદિવસ છે. તો જન્મદિવસ પર આપણે નેહા ધૂપિયાના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.
નેહા ધૂપિયાનો જન્મ ભારતમાં પંજાબી શીખ પરિવારમાં થયો હતો. તેના પિતા, કમાન્ડર પ્રદિપ સિંહ ધૂપિયા, ભારતીય નૌકાદળમાં અને માતા, મનપિંદ એક ગૃહિણી છે. નવી દિલ્હીની જીસસ એન્ડ મેરી કોલેજમાંથી સ્નાતક સુધી અભ્યાસ કર્યો,
નેહાએ નવી દિલ્હીમાં ગ્રેફિટી નામના નાટકમાં અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ઈન્ડીપોપ બેન્ડ યુફોરિયા માટે મ્યુઝિક વિડિયોમાં જોવા મળી અને જાહેરાત માટે મોડલિંગ પણ કરી ચૂકી છે.
ત્યારબાદ તે ટીવી સિરિયલ રાજધાનીમાં જોવા મળી હતી. 2002માં તેમણે ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં તેણીને મિસ ઈન્ડિયા 2002 તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો.
બોલિવૂડ કરિયરની શરૂઆત 2003ની ફિલ્મ કયામતથી કરી હતી, જેનું બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન હતું. ત્યારબાદ શીશા (2005) માં જોડિયા બહેનોની ભૂમિકામાં જોવા મળી હતી, પરંતુ તે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી.
ત્યારબાદ ધૂપિયાએ ક્યા કૂલ હૈ હમ (2005) અને શૂટઆઉટ એટ લોખંડવાલા (2007) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો, જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી ચુપ ચુપ કે (2006), એક ચાલીસ કી લાસ્ટ લોકલ (2007), સિંઘ ઈઝ કિંગ (2008) સહિત અનેક ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી.
નેહા ધૂપિયાનો ચેટ શો ‘નો ફિલ્ટર નેહા’ પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે. નેહા ઘણા બોલિવૂડ સેલેબ્સને શોમાં આમંત્રિત કરે છે અને તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરે છે.
તમને જણાવી દઈએ કે નેહા ધૂપિયા અને અંગદ બેદીએ 10 મે 2018ના રોજ દિલ્હીના એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા કલાકો બાદ બંનેએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા.
લગ્ન બાદ તે ફરી એકવાર લાઈમલાઈટમાં આવી હતી અને ઘણી ટ્રોલ પણ થઈ હતી. લગ્નના છ મહિના પછી જ તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. આજે નેહા ધૂપિયા અને અંગદ બેદી બે બાળકોના માતા-પિતા છે.