ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યા બાદ, 7 વર્ષ પછી ટીવી પર પરત ફરી રહ્યો છે ‘ટપ્પુ’

અભિનેતા ભવ્ય ગાંધીએ ચાઈલ્ડ એક્ટર તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સાથે પોતાના કરિયરની શરુઆત કરી હતી પરંતુ 7 વર્ષ પહેલા તેમણે આ શોને અલવિદા કહી દીધું છે અને લાંબા બ્રેક બાદ તે ફરી ટીવી પર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપ્પુની મસ્તી આજે પણ સૌ કોઈ યાદ કરે છે. 9 વર્ષ સુધી ભવ્ય ગાંધીએ ટપ્પુ બની ચાહકોનું ખુબ મનોરંજન કર્યું છે.

જ્યારે તેમણે આ શો છોડવાનો નિર્ણય લીધો તો તેના ચાહકો ખુબ નારાજ થયા હતા. સોની સબ ટીવીનો આ મશહુર ટીવી શો છોડ્યા બાદ ભવ્ય ગાંધી નાના પડદાંથી દુર થયો હતો. હવે 7 વર્ષ બાદ ફરી એક વખત ટપ્પુ સોની સબ ટીવીના શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. પરંતુ આ વખતે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં નહિ પરંતુ પુષ્પા ઈમ્પોસિબલમાં જોવા મળશે.

જેઠી મજીઠિયાના પુષ્પા ઈમ્પોસિબલમાં ભવ્ય એક નેગેટિવ પાત્રમાં જોવા મળશે. એટલે કે, ચાહકોને હસાવનાર ટપ્પુ આ વખતે લોકોને નફરત કરતો જોવા મળશે. ભવ્ય ગાંધીએ પોતાના કરિયરમાં અત્યારસુધી પોઝિટિવ પાત્ર નિભાવ્યું છે પરંતુ આ વખતે તે એક અલગ જ પાત્રમાં જોવા મળશે.

એક્ટિંગ માટે જીત્યા છે અનેક એવોર્ડ

વર્ષ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહ્યા બાદ ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મમાં કામ શરુ કર્યું હતુ. ભવ્યએ ગુજરાતી ફિલ્મ પપ્પા તમને નહિ સમજાય સાથે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મ બાદ બાપ ધમાલ દિકરો કમાલ, બહુ ના વિચાર, જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગથી ધમાલ મચાવી હતી. પોતાની એક્ટિંગ માટે અનેક એવોર્ડ પણ મળ્યા છે.

3 સ્ટાર નિભાવી ચૂક્યા છે ટપ્પુનુ પાત્ર

ભવ્ય બાદ રાજ ઉનડકટે તેને રિપ્લેસ કર્યો હતો. રાજે 5 વર્ષ સુધી આ શો સાથે હતો. 5 વર્ષ બાદ રાજે પણ પોતાની પર્સનલ લાઈફના ગ્રોથ માટે આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2022માં રાજ ગયા પછી નીતીશ ભુલાનીને ટપ્પુના પાત્ર માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો. નીતીશ આ શોનો ત્રીજો ટપ્પુ છે.