ભારતમાં નાસ્તાની યાદીમાં ભજીયા (પકોડા) સૌથી ઉપર આવે છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં લોકો ભજીયા ખાવા માટે બહાર જાય છે. હળવો વરસાદ પડતાં જ ભજીયા અને સમોસા ખાવાનું મન થઈ જાય છે. મોટાભાગના ઘરોમાં બટેટા, ડુંગળીના ભજીયા સાથે ચાની મજા માણવામાં આવે છે. પરંતુ જો તમે બટેટા અને ડુંગળીના ભજીયા ખાઈને કંટાળી ગયા હોવ તો તમે રીંગણના ભજીયા ટ્રાય કરી શકો છો.
રીંગણ એક એવું શાક છે જે દરેકના ઘરમાં સરળતાથી મળી રહે છે. આજે રીંગણના શાકને બદલે ભજીયા ટ્રાય કરો. આ ભજીયા એટલા ક્રિસ્પી હોય છે કે જો તમે તેને ખાશો તો ખાતા જ રહેશો. ચાલો જાણીએ રીંગણના ભજીયાની રેસિપી..
સામગ્રી
- 1 મોટું રીંગણ
- 1 કપ ચણાનો લોટ
- અડધો કપ ચોખાનો લોટ
- 2 આખા લાલ મરચા
- 1/4 ચમચી અજમો
- એક ચપટી હીંગ
- 2-3 કળી લસણ
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
- તળવા માટે તેલ
બનાવવાની રીત
- રીંગણના પકોડા બનાવવા માટે રીંગણને ધોઈને તેના ગોળ કટકા કરી લો.
- એક બાઉલમાં ચણાના લોટનું બેટર બનાવો. તેમાં ચોખાનો લોટ, હિંગ, મીઠું અને અજમો બરાબર મિક્ષ કરી લો.
- હવે પહાડી તડકો આપવા માટે લાલ મરચું, લસણ, મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો.
- આ પેસ્ટને ચણાના લોટમાં મિક્સ કરો અને બધું બરાબર મિક્સ કરો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો અને ચણાના લોટમાં રીંગણ બોળી પકોડા તળી લો.
- હવે રીંગણના પકોડાને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
- તૈયાર છે ગરમાગરમ પહાડી સ્ટાઇલના ક્રિસ્પી રીંગણના પકોડા.
- આ પકોડા તમે વરસાદમાં ચા સાથે ખાઈ શકો છો.