પનીર રોલ ખાવામાં જેટલો ટેસ્ટી છે, તેને બનાવવો પણ એટલો જ સરળ હોય છે. આ એક એવી ફૂડ ડીશ છે જેને બ્રેકફાસ્ટ અથવા સાંજના નાસ્તામાં તૈયાર કરી શકાય છે. સવારનો સમય દરેક માટે ખૂબ જ વ્યસ્તતાથી ભરેલો હોય છે, એવામાં કેટલીકવાર એવી સ્થિતિ સર્જાય છે જ્યારે નાસ્તો તૈયાર કરવામાં વધુ સમય બચતો નથી. આવી સ્થિતિમાં પનીર રોલ બનાવવો એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
તે માત્ર 5 મિનિટમાં બનાવી શકાય છે. આ વાનગીની ખાસિયત છે કે બાળકોને પણ તે ખૂબ જ ભાવે છે.
પનીર રોલ બનાવવા માટે પનીર ઉપરાંત શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તે ટેસ્ટી હોવાની સાથે-સાથે હેલ્ધી નાસ્તો પણ છે. આજે અમે તમારી સાથે પનીર રોલ બનાવવાની સરળ રેસિપી શેર કરી રહ્યા છીએ.
સામગ્રી
- મેંદાની રોટલી – 4
- પનીર – 200 ગ્રામ
- ડુંગળી (ઝીણી સમારેલી) – 1
- કેપ્સીકમ (બારીક સમારેલ) – 1
- ટામેટા (બારીક સમારેલા) – 1
- આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી
- લીલા મરચા (બારીક સમારેલા) – 1-2
- લાલ મરચું પાવડર – 1/2 ચમચી
- ગરમ મસાલો – 1/2 ચમચી
- ચાટ મસાલો – 1/2 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- તેલ – 2-3 ચમચી
- લીલા ધાણા (ઝીણા સમારેલા) – 2-3 ચમચી
- લીંબુનો રસ
- લીલી ચટણી અથવા ટામેટાનો સોસ
સ્ટફિંગ તૈયાર કરો
- રોલ તૈયાર કરવા માટે તમારે સૌથી પહેલા તેનું સ્ટફિંગ બનાવવું પડશે. આ માટે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં બારીક સમારેલી ડુંગળી નાખીને સોનેરી થાય ત્યાં સુધી તળો.
- હવે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને થોડી સેકન્ડ સાંતળો. આ પછી તેમાં બારીક સમારેલા કેપ્સિકમ અને ટામેટા ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી પકાવો.
- આ પછી તેમાં બારીક સમારેલું પનીર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, લીલું મરચું અને મીઠું ઉમેરો.
- હવે તેને સારી રીતે મિક્સ કરો અને 2-3 મિનિટ સુધી પકાવો. છેલ્લે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ નાખીને મિક્સ કરો. બસ આ સ્ટફિંગ તૈયાર છે.
રોલ બનાવવાની રીત
- હવે રોલ્સ બનાવવા માટે એક તવાને ગરમ કરો અને તેના પર રોટલી શેકી લો. ત્યારબાદ રોટલી પર લીલી ચટણી અથવા ટામેટાની ચટણી ફેલાવો.
- આ પછી તૈયાર કરેલા પનીરના સ્ટફિંગને રોટલીની વચ્ચે મૂકો.
- હવે રોટલીને રોલની જેમ ફોલ્ડ કરો અને એક તવા પર થોડું તેલ નાખીને રોલને ચારે બાજુથી સોનેરી થાય ત્યાં સુધી પકાવો.
- હવે આ રોલને ગરમાગરમ સર્વ કરો. જો તમે ઈચ્છો તો તેની સાથે કોલ્ડ ડ્રિંક પણ સર્વ કરી શકો છો.