બોલિવૂડની બેસ્ટ હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ તેની રિલીઝના ત્રણ અઠવાડિયા પછી પણ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ ફિલ્મ રિલીઝના આટલા દિવસો બાદ પણ શાનદાર કમાણી કરી રહી છે અને અનેક મોટી બોલિવૂડ ફિલ્મના રેકોર્ડ પણ તોડી રહી છે.
‘સ્ત્રી 2’ના એનાઉન્સમેન્ટના સમયથી સોશિયલ મીડિયા પર બઝ જોવા મળી હતી.
રિલીઝ પછી, આ ફિલ્મ દરરોજ શાનદાર કલેક્શન સાથે આગળ વધી રહી છે. આ હોરર-કોમેડી ફિલ્મે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે અને હવે વધુ એક ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે, જેના પછી તે બોલીવુડની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
સ્ત્રી 2 રિલીઝ થયાને 25 દિવસ થઈ ગયા છે. આટલા દિવસો પછી પણ ફિલ્મની સફળતા વૈશ્વિક અને સ્થાનિક બોક્સ ઓફિસ પર અકબંધ છે. રિલીઝના ત્રીજા રવિવારે આ ફિલ્મે શાહરૂખ ખાનની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ને પાછળ છોડી દીધી છે. પઠાણ ફિલ્મે 543.05 કરોડ રૂપિયાનું લાઇફટાઇમ કલેક્શન કર્યું હતું.
શુક્રવાર સુધી ફિલ્મ ‘સ્ત્રી 2’ એ 531 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. શનિવારે, ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 540.04 કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે રવિવારે 9.71 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેનાથી ફિલ્મનું કુલ કલેક્શન 550 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે.
જો કે, આ કામચલાઉ આંકડાઓ છે અને ફેરફારને પાત્ર છે. પઠાણ બાદ હવે રણબીર કપૂરની એનિમલ ફિલ્મ સ્ત્રી 2ના નિશાના પર છે. બોલિવૂડ હંગામા અનુસાર તેનું લાઇફટાઇમ કલેક્શન 556 કરોડ છે.