આલિયા ભટ્ટ સામાન્ય રીતે ફોટોગ્રાફરોને પોઝ આપવા માટે ઊભી રહેતી હોય છે, પણ હાલમાં જ પૅપરાઝી અતિઉત્સાહિત થઈ ગયા એને પગલે આલિયા અકળાઈ ઊઠી હતી. પૅપરાઝી એવા ફોટોગ્રાફરોને કહેવાય છે જે ફેમસ વ્યક્તિઓના ફોટો પાડવા તેમનો પીછો કરતા હોય, તે ક્યાંક પહોંચવાની હોય એની ખબર પડે તો એ સ્થળે ગોઠવાઈ જાય.
હમણાં બન્યું એવું કે આલિયા કોઈ બિલ્ડિંગમાં દાખલ થઈ ત્યારે પૅપરાઝી પણ તેની પાછળ એમાં દાખલ થઈ ગયા હતા અને છેક લિફ્ટ સુધી તેમણે આલિયાનો પીછો કર્યો હતો.
તેઓ આલિયાને ફોટો માટે ઊભા રહેવા ‘આલિયા મૅમ, આલિયા મૅમ’ કહીને રિક્વેસ્ટ કરી રહ્યા હતા ત્યારે આલિયાની ટીમના સભ્યો ફોટોગ્રાફરોને બહાર જવાની વિનંતી કરી રહ્યા હતા. પૅપરાઝી એ છતાં ન થોભ્યા એટલે છેવટે આલિયાએ પિત્તો ગુમાવ્યો હતો અને તેણે સામે આવીને ભડકીને કહ્યું હતું કે ક્યા કર રહે હો આપ લોગ? યે પ્રાઇવેટ સ્પેસ હૈ.