આજે બર્થ-ડે પર કઈ સ્પેશ્યલ અનાઉન્સમેન્ટ કરવાનો છે અક્ષય?

તાજેતરના સમયમાં એક પછી એક અનેક ફ્લૉપ ફિલ્મો આપ્યા પછી આજે સત્તાવનમી વર્ષગાંઠ પર અક્ષય કુમાર કંઈક નવી જાહેરાત કરવાનો છે. અક્ષયે આ સંકેત શનિવારે ગણેશ ચતુર્થીના દિવસે આપ્યો હતો. અક્ષયે શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં દૈત્યનું પ્રતીક દેખાય છે અને છેલ્લે ડરામણું મ્યાઉં સંભળાય છે. આ વિડિયોની સાથે અક્ષયે લખેલું : ગણપતિબાપ્પા મોરયા!

એ સંકેત આપવા આનાથી સારો દિવસ શું હોઈ શકે કે તમારી સમક્ષ કંઈક સ્પેશ્યલ આવી રહ્યું છે? આ વાત પરથી પડદો ઊંચકાશે મારા જન્મદિવસે.

ચર્ચા આવી છે કે આજે અક્ષયની એક હૉરર-કૉમેડી ફિલ્મની જાહેરાત થશે. કહેવાય છે કે હિટ ફિલ્મની તલાશમાં અક્ષય પાછો ડિરેક્ટર પ્રિયદર્શનના શરણે ગયો છે. બન્નેએ ૨૦૦૭માં સાથે મળીને સાઇકોલૉજિકલ કૉમેડી-હૉરર મૂવી ‘ભૂલભુલૈયા’ આપી હતી. બન્નેએ છેલ્લે ૨૦૦૯ની ફિલ્મ ‘ખટ્ટા મીઠા’માં સાથે કામ કર્યું હતું. નવી જે હૉરર-કૉમેડીની વાત છે એ બ્લૅક મૅજિકની આસપાસ હશે અને એમાં ત્રણ હિરોઇનો હશે એવી ચર્ચા છે. અક્ષય કુમાર હાલમાં ‘સ્ત્રી 2’માં પણ નાનકડા રોલમાં દેખાયો હતો.