શ્રાધ્ધ એટલે પિતૃયજ્ઞના 16 દિવસ

અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય ક્ધયા રાશિમાં રહે છે ત્યારે પિતૃઓને તૃપ્ત કરનારી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને યમ સ્મૃતિમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ 16 દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ.

આ સિવાય પુરાણોની વાત કરો તો બ્રહ્મ, વિષ્ણુ, નારદ, સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધ શરૂ થતા જ પિતૃ મૃત્યલોકમાં પોતાના વંશજોને જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે એટલે આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજન અને અન્ય પ્રકારના દાન કરવામાં આવે છે.

કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર?
ગૌતમધર્મ સૂત્ર પ્રમાણે પુત્ર ન હોય તો ભાઈ-ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દિકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે. જો તેમાંથી કોઇ ન હોય તો કુળ-પુરોહિત અથવા આચાર્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે. પિતા માટે પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઇએ. પુત્ર ન હોય તો પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે.

વિષ્ણુપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે. માર્કણ્ડેય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિનો પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની મંત્રો વિના શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઇ વ્યક્તિ દ્વારા શ્રાદ્ધ કરી શકાય છે. માતા-પિતા કુંવારી ક્ધયાઓને પિંડદાન કરી શકે છે. પરણિતા દીકરીના પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે. દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે. આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધૂ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)